કોરોના સંક્રમણના નામે પાનના ગલ્લાંવાળાઓ સામે તંત્રની લાલ આંખ અને દંડની કરાતી કાર્યવાહીને કારણે પાનના ગલ્લાંવાળાઓમાં ભારે હોબાળો મચી ગયો છે. રાજયના પાનના ગલ્લાંવાળાઓ એક મંચ પર ભેગા થઇને ગયા છએ. તેમના ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસીએશને દંડની જોગવાઇ દૂર નહીં કરાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે. આ અંગે સરકાર દ્રારા કોઇ પગલાં નહીં લેવામાં આવે તો હાઇકોર્ટનો આશરો લેવાની ફરજ પડશે તેમ જણાવ્યું છે.
ગુજરાતમાં 25 % લોકો પાનના ગલ્લાથી રોજગાર મેળવે છેઃ એસોસિએશન પ્રમુખ
“ગુજરાતમાં આશરે 1.50 કરોડથી વધુ લોકો પાનના ગલ્લાં કે પછી તેની સાથેની ચીજવસ્તુંના વેચાણથી રોજીરોટી રળે છે. આ ધંધામાં જોડાયેલા લોકોના પરિવાર સહિતની સંખ્યા જોવામાં આવે તો ગુજરાતની 50 ટકા સંખ્યા એટલે કે 3 કરોડ લોકોનું ગુજરાન ચાલે છે.”
સંજય જોશીએ વધુમાં જણાવ્યુ કે, માત્ર પાનના ગલ્લાવાળાને ટાર્ગેટ કેમ?
“કોરોનાના પ્રારંભમાં અપાયેલા લોકડાઉનમાં 73 દિવસ સુધી ગલ્લાં સંપૂર્ણ બંધ રહ્યાં હતા. ત્યારે પણ ગુજરાત કોરોનાના મામલે દેશમાં બીજા નંબર પર હતું. સમગ્ર વિશ્વમાં સંક્રમણ શેના કારણે ફેલાય છે તે હજુ નક્કી થઇ શક્યું નથી. છતાં ગુજરાતમાં નગરપાલિકા તથા મહાનગરપાલિકા તરફથી પાનના ગલ્લાંવાળાઓ પર કોરોના સંક્રમણના નામે મનમાની કરીને અમૂક રકમ નક્કી કરી દંડ વસૂલવાની જોગવાઇ કરાઇ છે. માત્ર પાનના ગલ્લાંવાળાઓને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.”
આ સંદર્ભમાં ગુજરાતના પાનના ગલ્લાંવાળાઓની ટેલીફોનિક મીટીંગ આજે થઇ હતી. જેમાં થુંકે કોઇ અને દંડ પાનના ગલ્લાંવાળા પાસેથી ઉઘરાવવા કે પછી સંક્રમણ ફેલાવવા માટે પાનના ગલ્લાંવાળાઓને જવાબદાર ઠેરવવા સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી. આમ પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઇ છે. દંડની જોગવાઇ તાત્કાલિક રદ કરવા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. જો નહીં દૂર થાય તો ન્યાય મેળવવા હાઇકોર્ટમાં જઇશું.