કોરોના દર્દીઓ સ્વસ્થ થાય પછી તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ફરીથી સ્વાસ્થ્ય બગડવાની સમસ્યાઓ સામે આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગુરુવારથી પોસ્ટ કોવિડ ક્લિનિક શરૂ થવા જઈ રહ્યું છે. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. બીએલ શેરવાલે ચેતવણી આપતા કહ્યું કે, જો તમારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમારો રિપોર્ટ નેગેટિવ આવે તો એનો મતલબ એ નથી કે તમે બિલ્કુલ સ્વસ્થ થઈ ગયા છો.
એક ન્યુઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે, ડો. બીએલ શેરવાલે કહ્યું કે, હાલ આપણો કોરોના રિકવરી રેટ સારો છે. તેવામાં મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ મામલે અમે દર્દીઓનું સ્વાસ્થ્ય જાણવા કોલ પણ કર્યા છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં ક્લિનિક ખોલીને અમે દર્દીઓનાં ફેફસાંનો સીટી સ્કેનની સાથે અન્ય તપાસ પણ કરીશું. તેનાથી અલગ-અલગ રોગીઓમાં કોરોનાથી સાજા થવાની પ્રક્રિયા જાણી શકાશે છે.
આ ઉપરાંત ડોક્ટર શેરવાલે કહ્યુ કે, અમને અલગ-અલગ ફરિયાદો મળે છે. જેમ કે કોરોનાથી સાજા થયેલ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ આવી રહી છે. કેટલાકને ખાંસીની સમસ્યા થઈ રહી છે. તો અમુક દર્દીઓ ફેફસાંને લગતી બીમારીઓથી ઝઝૂમી રહ્યા છે. આ દર્દીઓ અલગ-અલગ ઉંમરના છે. તેમાં પુરુષ અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે કહ્યું હતું કે એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ દર્દી હોસ્પિટલમાંથી ઘરે પરત ફરે છે કે તરત દર્દીનું મોત નીપજ્યું હતું. ડોકટરોના કહેવા પ્રમાણે, સ્વસ્થ થયા પછી પણ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયો ન હતો. તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી ગયું, જેના કારણે તે મૃત્યુ પામ્યો. આથી જ હવે દિલ્હી સરકાર કોરોનો વાયરસથી ઠીક થયેલા દર્દીઓના ઘરે ઓક્સિજન મોકલવાની તૈયારી કરી રહી છે.
તો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સાંસદ કે.જે. અલ્ફોંસે કહ્યું કે, તેઓની 91 વર્ષની માતા કોરોનાથી સ્વસ્થ જીતી ચૂકી હતી. તે28 મેના રોજ કોવિડ પોઝિટિવ થયા હતા. બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પણ 11 જૂને હાર્ટ એટેકને કારણે તેઓનું મોત થયું હતું.