PM કિસાન યોજનાનો લાભ લેતા નકલી ખેડૂતો ઝડપાયા, કરોડોનું કૌભાંડ ઉઘાડું પડ્યું

By | September 9, 2020

ગીર-સોમનાથ જિલ્લામાં પી.એમ. કિસાન સન્માન નિધી યોજનામાં કૌભાંડ સામે આવ્યું છે. લાખો રૂપિયાના આ કોભાંડમાં લોકોએ નકલી ખેડૂત બનીને પૈસા પડાવ્યા હોવાની વાત સામે આવી છે. આ કૌભાંડમાં જે લોકો ખેડૂત નથી તે પણ સન્માન નિધી યોજનાના પૈસા મેળવી ચુક્યા છે. ખેડૂત ન હોય તેવા લોકોના ખાતામાં પણ સીધા પી.એમ. કિસાન સન્માન નિધી યોજનાના હપ્તા જમા પણ થઈ ગયા છે. આ કૌભાંડ બહાર ના આવે તેના માટે ભીનુ સંકેલી લેવાની પ્રક્રિયા કરવાનો પ્લાન તંત્રનો હતો તેવા પણ સૂત્રો પાસેથી અહેવાલ સામે આવી રહ્યા છે. કેટલાક તો એવા છે જે નથી ખેડૂત કે નથી ગામના ખાતેદાર કે રહીશ છતાં સહાય મેળવી ચુક્યા છે.

(જે દરેક બાબતના પુરાવા મેરાન્યૂઝને મળ્યા છે)

ગીર-સોમનાથ જિલ્લામાં પી.એમ. કિસાન યોજનામાં કૌભાંડ સામે આવ્યું છે. જે બાબતે મેરાન્યૂઝે તપાસ કરતા માહિતી મળે છે કે આ યોજના માટે 50 હજાર જેટલી અરજીઓ આવી છે, જેમાં ખોટા દસ્તાવેજો રજૂ કરી અને ખોટી રીતે ખાતેદાર બની અરજીઓ કરી છે, અને 4000 રૂપિયાની રકમ પણ મેળવી લેવામાં આવી છે. મેરાન્યૂઝના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે સુત્રાપાડા તાલુકામાં જ આવી અનેક અરજીઓ નીકળી છે, તાલુકા પંચાયત સેવાસદન દ્વારા તા. પં. / પી.એમ. કિસાન / વેરીફાઈ / 509 / 2020 નંબરથી સુત્રાપાડાના તલાટી મંત્રીઓને લખવામાં આવેલો પત્ર પણ આ વાતને સમર્થન આપી રહ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીના લાભાર્થીની પુનઃ ચકાસણી કરવી, કેમકે બાયસેલ્ફ રીતે થયેલી અન્ટ્રીની વિગતોમાં વિસંગતતા જોવા મળી છે. આવી ચકાસણી ખરેખર રાજ્યભરમાં કરવામાં આવે તો ખુબ જ મોટું કૌભાંડ બહાર આવી શકે છે.

ખોટા દસ્તાવેજ રજૂ કરી ખાતેદાર બની લાખો રૂપિયાના આર્થિક લાભ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. તેની પાછળ મુખ્ય કારણ બાયસેલ્ફ એન્ટ્રી છે. સરકારે થોડા સમય પહેલા જ આ યોજનામાં બાયસેલ્ફ (by self) અરજદારો પોતાના મોબાઈલમાંથી એન્ટ્રી કરી શકે એ માટે ઓપ્શન ચાલુ કર્યું હતું. આ તકનો લાભ લઈ ઘણા કૌભાંડીઓ ખેતીની જમીન જેતે ગામમાં નહીં હોવા અથવા ખેડૂત જ નહીં હોવા છતાં અરજીઓ કરી સહાય મેળવી લીધી છે. આવા બોગસ અરજદારોના ખાતામાં પણ રૂપિયા 4000 એટલે કે બે હપ્તાની સહાય ચૂકવાઈ ગઈ છે. આ પહેલા યોજના અમલમાં આવી ત્યારે તલાટી મંત્રી દ્વારા ફોર્મ ભરવામાં આવતા હતા. ખેડૂતે પુરાવા અને જેમાં 7-12 ના પત્રકો રજૂ કરવા પડતા હતા. આ પ્રક્રિયા બાદ જ અરજીની એન્ટ્રી કરવામાં આવતી હતી. પરંતુ હવે જયારે anyror નું સર્વર પી.એમ. કિસાનની વેબસાઈટ સાથે મેચિંગ નથી છતાં બાયસેલ્ફનો ઓપશન આપી સરકારે જાણે મોટી ભૂલ કરી નાખી છે. સરકારના અને અધિકારીઓએ વિચાર્યા વિના પગલું ભર્યું અને બુદ્ધીનું દેવાળું ફુક્યું હોય તેવો ઘાટ રચાયો છે. જેના કારણે આવા કૌભાંડીઓને કૌભાંડ કરવાની સુવર્ણ તક મળી ગઈ છે.

આ બાબતની જાણ થતા મેરાન્યૂઝ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે મગનું નામ મરી પાડ્યુ નથી. તેમણે એ સવાલનો જવાબ પણ આપ્યો નથી કે તેમણે લખેલો પત્ર સાચો છે કે ખોટો, વાત ટાળવા તેમણે જણાવ્યું કે, તમે જે માહિતી મળે તે છાપો અને ઉજાગર કરો, મારા નામે કોઈ લેટર ફરતો થયો હોય તો તે પણ એક તપાસનો વિષય છે. આ બાબત સ્પષ્ટ કરે છે તે તેઓ આ કૌભાંડની વાત દબાવી દેવા માંગતા હતો. જેથી તેમની અને સરકારના ધજાગરા ના ઉડે. તેઓ એ ખેતીવાડી અધિકારી સાથે વાત કરવાનું જણાવ્યું પણ ખેતીવાડી અધિકારીના ફોન રિસીવ થતા નથી. આ બાબતે ગીર-સોમનાથ જિલ્લાના કલેકટરનો સંપર્ક કરવા માટે પણ ફોન કરવામાં આવ્યા પણ તેમને પણ ફોન રિસીવ કરેલ નથી.

જિલ્લા વિકાસ અધિકારી, ખેતી વાડી અધિકારી કે જે કોઈ પણ આ કૌભાંડને દબાવવા મહેનત કરતા હોય તેમને આ વાતનો જવાબ તો આપવો જ પડેશે કે, જો કંઈ ખોટું નથી થયું તો જવાબ આપવાનો ડર શા માટે લાગે છે. મેરાન્યૂઝ દ્વારા તપાસ કરીને કદવાર ગ્રામ પંચાયતનો રિપોર્ટ જે તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યો છે તે પણ શોધી કાઢવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ લખેલું છે કે ‘કદવાર ગામનું જે કિસાન સન્માન નિધી યોજનાનું લિસ્ટ છે તેમાં કોઈ પણ ખેડૂત ખાતેદાર નથી, એટલું જ નહીં કેટલાક તો આ ગામના રહીશ કે ખાતેદાર પણ નથી.’ તો આ બાબતે જવાબ આપવાથી દુર ભાગતા અધિકારીઓ પણ કૌભાંડમાં સંડોવાયેલા હશે કે પછી તે મામલો ભીનો સંકેલવા પ્રયત્નો કરી રહ્યા છે તે તપાસનો વિષય છે.

હવે જોવાનું એ રહ્યું કે આ બાયસેલ્ફનું ઓપ્શન વિચાર્યા વિના જ જે આઈ.એસ.કક્ષાના અધિકારીઓ એ અમલમાં મુક્યું એની સામે સરકાર કોઈ પગલાં ભરશે કે કેમ ? અને આવા કૌભાંડીઓ પાસેથી નાણાં વસુલ કરશે કે કેમ ? આ કૌભાંડ માત્ર ગીર-સોમનાથ જિલ્લામાં જ થયું છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં થયું છે ?

~ મેરાન્યુઝ(અમદાવાદ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *