વડાપ્રધાન મોદી છે મોટા દાનવીર, અત્યાર સુધીમાં અબજો રૂપિયાનું કરી ચુક્યા છે દાન

By | September 4, 2020

કોરોનાની મહામારીના પગલે પીએમ કેર ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફંડનો હિસાબ આપવાની શરૂઆતમાં સરકાર દ્વારા મનાઈ કરવામાં આવી હતી. જેને પગલે પીએમ કેર ફંડના હિસાબો આપવાની માંગ સાથે વિપક્ષી પાર્ટીઓ અવાર-નવાર મોદી સરકાર પર નિશાન સાધતી રહે છે. આજે ફરી એક વખત સોશ્યલ મીડિયા પર પીએમ કેર ફંડની ચર્ચા થઈ રહી છે. કારણ કે એવો ખુલાસો થયો છે કે, આ ફંડમાં સૌથી પહેલું ડોનેશન પીએમ મોદીએ આપ્યું હતું. પીએમ મોદીએ પોતાના પગારમાંથી 2.25 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું તેવો ઉલ્લેખ આ ફંડના ઓડિટમાં કરાયો છે.

ફંડના ઓડિટેડ એકાઉન્ટમાં પ્રથમ દાન 2.25 લાખ રૂપિયાનું બતાવવામાં આવ્યું છે. આ દાન આપનારનું નામ નથી. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે પીએમ કેયર્સ ફંડ બનાવવામાં આવ્યું હતું ત્યારે પીએમ મોદીએ સવા બે લાખ રૂપિયા દાન આપીને તેની શરૂઆત કરી હતી.

પીએમ મોદીની અપીલના કારણે 31 માર્ચ 2020 સુધીના પ્રથમ 5 દિવસમાં જ પીએમ કેયર્સ ફંડમાં 31 અબજ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. દેશભરમાં વેન્ટિલેટરથી લઈને કોવિડ હોસ્પિટલ નિર્માણમાં પૈસા આપવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે.

દાન આપવાના મામલે પીએમ મોદીનો જૂનો ઇતિહાસ છે. એક એવી પરંપરા તેમણે શરૂ કરી છે જે અંતર્ગત તે જનહિત માટે પોતાના પૈસા દાન કરતા રહ્યા છે. આ જનહિતનું કામ બાળકીઓની શિક્ષા, નમામી ગંગેથી લઈને શોષિત અને વંચિત સમાજ માટે દાન સાથે જોડાયેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી રહેતા આ કામ શરૂ કરવાથી લઈને અત્યાર સુધી પીએમ મોદી પોતાની બચતથી 103 કરોડ રૂપિયા દાન કરી ચૂક્યા છે.

2019માં પીએમ મોદીએ પોતાના વ્યક્તિગત બચતથી 21 લાખ રૂપિયા કુંભ મેળામાં કામ કરતા સફાઇ કર્મચારીઓ માટે બનાવેલા ફંડમાં દાન કર્યા હતા. જ્યારે સિયોલ શાંતિ પુરુસ્કાર મળ્યો તો ત્યાં મળેલા 1.3 કરોડ રૂપિયા નમામી ગંગે કાર્યક્રમ માટે દાન કર્યા હતા. આ સિવાય પીએમ તરીકે તેમને મળેલા બધા મોમેન્ટોની હરાજી કરી 3.40 કરોડ રૂપિયા જમા થયા હતા. જે નમામી ગંગે ફંડમાં દાન કર્યા હતા. પીએમ મોદીને મળેલા ભેટની હરાજી 2015માં સુરતમાં થઈ હતી. જેમાં 8.35 કરોડ રૂપિયા જમા થયા હતા. જે પણ નમામી ગંગેમાં દાન કર્યા હતા.

2014માં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડ્યું તો પોતાની સેલેરીમાંથી બચેલા 21 લાખ રૂપિયા ગુજરાત સરકારના કર્મચારીઓના પુત્રીઓની શિક્ષા માટે દાન કર્યા હતા. આ સિવાય મુખ્યમંત્રી તરીકે મળેલી ભેટની હરાજીમાંથી જમા થયેલા 89.96 કરોડ તેમણે કન્યા કેળવણી ફંડમાં દાન કર્યા હતા. આ યોજના અંતર્ગત દીકરીઓના શિક્ષા પર પૈસા ખર્ચ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આટલું દાન આવ્યું હોવા છતાં લોકડાઉનના સમયે ગરીબ મજૂરો પગપાળા પોતાના વતન જઈ રહ્યા હતા. જે ખુબ પીડાદાયક હતું. પીએમ કેર્સ ફંડનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે અંગે કોઈ ખુલાસો થયો નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *