PM મોદીની ‘મન કી બાત’ને યુટ્યુબ પર મોટી સંખ્યામાં લોકોએ નકારી, જાણો આમ થવા પાછળનું કારણ

By | August 31, 2020

આકાશવાણી પર રવિવારે પ્રસારિત થયેલા PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું દૂરદર્શન ઉપરાંત અનેક ખાનગી ચૅનલો પણ સીધું પ્રસારણ કરે છે. આ સાથે જ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો(PIB), ભાજપ અને પીએમ મોદીની પોતાની યૂટ્યુબ ચૅનલ પર પણ ‘મન કી બાત’ સાંભળી શકાય છે.

પરંતુ આ રવિવારે ‘મન કી બાત’ને લઈને યૂટ્યુબ ચૅનલ પર યૂઝર્સની પ્રતિક્રિયા હકારાત્મક ઓછી અને નકારાત્મક વધુ રહી છે. આ ત્રણેય ચૅનલો પર ‘મન કી બાત’ના વીડીયો ઉપર લાઈકની સરખામણીએ ડિસ્લાઇક ઘણી વધારે જોવા મળી. ભારતીય જનતા પાર્ટીની યુટ્યુબ ચેનલ પર 5 લાખથી વધુ ડિસ્લાઇક આવી છે.

આ બાબત અસામાન્ય છે, કારણ કે આ પહેલાં ‘મન કી બાત’ને લઈને દર્શકોનું વલણ આટલું નૅગેટિવ ક્યારેય રહ્યું નથી. એવામાં ચર્ચા થઈ રહી છે કે આખરે એનું કારણ શું છે?

સોમવારે સવારે સવા નવ વાગ્યા સુધીમાં ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર યૂટ્યુબ ચૅનલ પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં લગભગ 5 લાખ વ્યૂ હતા. આ ચૅનલ પર આ વીડિયોને 32,000 લોકોએ ‘લાઈક’ કર્યો જ્યારે 2 લાખ 75 હજાર લોકોએ ‘ડિસ્લાઇક’ કર્યો.

આ જ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોતાના યૂટ્યૂબ ચૅનલ ઉપર એને 26,000 લાઇક્સ અને 56,000 ડિસ્લાઇક મળી હતી. તો PIBના યૂટ્યૂબ ચૅનલ ઉપર ‘મન કી બાત’ ઉપર 99,000 વ્યૂઝ હતા, જ્યારે કે 3,500 લોકોએ કાર્યક્રમને લાઈક કર્યો અને 8,500 લોકોએ તેને ડિસ્લાઇક કર્યો.

લોકોની શું છે પ્રતિક્રિયા?

નરેન્દ્ર મોદીની યૂટ્યૂબ ચૅનલ ઉપર એક દર્શક કમલ નાયકે પ્રતિક્રિયા આપતા લખ્યું ,” અર્થવ્યવસ્થા, બેરોજગારી, નિરક્ષરતા, કુદરતી આપત્તિ, અન્ય પણ ઘણા મુદ્દાઓ પર ભાજપ નિષ્ફળ રહી અને અંતમાં જનતાને કહી દીધું , આત્મનિર્ભર બનો.”

ભાજપની યૂટ્યુબ ચૅનલ પર આકાશ કુમાર નામના યૂઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું, ” અમને મન કી બાત નથી જોઈતી અમને રોજગારી જોઈએ છે, મોદીજી”

પલ્લબી ભકત નામના એક યુઝરે પોતાની પ્રતિક્રિયામાં લખ્યું ,” તમે આ ટાઇટલ મન કી બાત બદલીને પોતાના મનની મનમાની એમ કરી નાંખો. તમારા ઉપર શરમ આવે છે મોદીજી. જેઈઈ, NEET માટે એક શબ્દ પણ નહીં.”

શિખા શ્રીવાસ્તવ નામના એક યૂઝરે ભાજપની સત્તાવાર યૂટ્યૂબ ચૅનલ પર પોતાની પ્રતિક્રિયામાં લખ્યું, “અમે ઇચ્છીએ છીએ કે તમે જેમની પણ નોકરી ગઈ છે એમને રોજગાર આપવા ઉપર વાત કરો, એસએસસી સીજીએલના પડતર પરિણામો ઉપર તમે બોલો એવી અમારી માગ છે.”

શું સંબોધન આપ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમની 68મી કડીમાં દેશવાસીઓને સંબોધન કર્યું. દર વખતે અલગ અલગ વિષય પર વાત કરતા વડા પ્રધાને આ વખતે ઓણમના તહેવારની વાત કરી અને ભારતીય ઉદ્યોગ સાહસિકોને રમકડાંના વેપારમાં સંભાવનાઓ શોધવા કહ્યું.

આ ઉપરાંત પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ડેવલપર્સે ભારતમાં કમ્પ્યુટર ગેમ્સ બનાવવી જોઈએ.વડા પ્રધાને રમકડાંના ઉત્પાદન પર ભાર મૂકતા કહ્યું, “ગ્લોબલ ઇન્ડસ્ટ્રી 7 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની છે, પરંતુ આટલા મોટા કારોબારમાં ભારતની હિસ્સેદારી ઘણી ઓછી છે.”એમણે કહ્યું, “આપણા દેશમાં આઇડિયા અને કૉન્સેપ્ટ છે. વર્ચ્યુઅલ ગેમ્સ અને રમકડાંના ક્ષેત્રમાં ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની છે અને હવે બધા માટે લોકલ રમકડા માટે વોકલ થવાનો સમય આવી ગયો છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *