PM મોદી માટે 8,400 કરોડનું વિમાન, જયારે જવાનો માટે બુલેટપ્રુફ ટ્રક પણ નહીં : રાહુલ ગાંધી

By | October 10, 2020

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વીડિયો દ્વારા પ્રધાનમંત્રી મોદી પર કટાક્ષ કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતા કોંગ્રેસ નેતાએ પૂછ્યું કે આ કેવો ન્યાય છે કે પ્રધાનમંત્રી માટે 8400 કરોડ રૂપિયા ખર્ચ કરી આલીશાન પ્લેન મગાવવામાં આવી રહ્યું છે અને દેશના જવાનો માટે બુલેટ પ્રૂફ વિનાની ટ્રકોમાં શહીદ થવા મોકલવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું, આપણા જવાનોને નોન બુલેટ પ્રૂફ ટ્રકોમાં શહીદ થવા મોકલવામાં આવી રહ્યા છે અને PM માટે 8400 કરોડનું પ્લેન, આ કેવો ન્યાય છે.

જવાનો બોલ્યા- નોન બૂલેટપ્રૂફ ગાડીઓમાં મોકલી અમારી જાન સાથે ખિલવાડ

જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો તેમાં દેશના જવાનો ટ્રકમાં બેસી વાત કરી રહ્યા છે. તેમાંથી એક જવાન કહે છે કે નોન બૂલેટપ્રૂફ ગાડીઓમાં મોકલીને અમારી જાન સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. પાછલા દિવસોમાં કૃષિ વિરોધી બિલ સામે પંજાબમાં પ્રદર્શન દરમિયાન પણ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે પ્રધાનમંત્રી મોદી દેશ વિરોધી નીતિઓ અને કામોથી દેશને નબળો બનાવી રહ્યા છે.

પ્રધાનમંત્રીને ઈમેજની ચિંતા, જવાનોની નહીં

રાહુલ ગાંધી તરફથી સતત ચીનની સાથે સીમા વિવાદ મામલા અને જવાનોને મળી રહેલી સુવિધાઓનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે પ્રધાનમંત્રીએ પોતાના માટે 8400 કરોડ રૂપિયાનું પ્લેન ખરીદ્યું… તેમાંથી સિયાચીન-લદ્દાખ સીમા પર તૈનાત આપણા જવાનો માટે કેટલી વસ્તુઓ ખરીદી શકાય છે. ગરમ કપડા-30,00,000, જેકેટ, દસ્તાના- 60,00,000.. જૂના- 67,20,000..ઓક્સિજન સિલિન્ડર- 16,80,000… પ્રધાનમંત્રી મોદીને માત્ર પોતાની ઈમેજની પડી છે તેની જ ચિંતા છે, સૈનિકોની નહીં.

શું છે સંપૂર્ણ મામલો?

વીવીઆઈપી (VVIP) માટે 8 હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતે બે એરક્રાફ્ટની ખરીદી પર રાહુલ ગાંધીએ મંગળવારે કેન્દ્રની ભાજપના નેતૃત્વની સરકાર પર આકરા પ્રહારો કર્યા. જો કે સરકારી સૂત્રોએ જણાવ્યું કે બે વીવીઆઈપી વિમાનની ખરીદ પ્રક્રિયા યુપીએ સરકારના સમયે જ શરૂ થઈ હતી અને મોદી સરકારે તો બસ તેને અંજામ સુધી પહોંચાડી છે. આ ઉપરાંત આ વિમાન માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે નહીં પરંતુ અન્ય વીવીઆઈપી માટે છે અને ઈન્ડિયન એરફોર્સના છે, પ્રધાનમંત્રીના નહીં. 

2011માં શરૂ થઈ હતી VVIP વિમાન ખરીદની પ્રક્રિયા

સૂત્રોએ ઉલ્લેખ કર્યો કે વીવીઆઈપી વિમાનની ખરીદ પ્રક્રિયાની કવાયત 2011માં શરૂ થઈ હતી અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સના નિર્દેશો પર મીટિંગ ઓફ કમિટી સેક્રેટરીઝ (CoS)ની બેઠક થઈ હતી. 10 બેઠકો બાદ 2012માં પોતાની ભલામણો સોંપી હતી. તેમાં નિર્ણય લેવાયો હતો કે વીવીઆઈપી એરક્રાફ્ટ્સ માટે ઉપલબ્ધ વિકલ્પોને એક ઈન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપ (IMG)એક્ઝામિન કરશે. 

નવા નથી, હાલના B777 ER વિમાનોમાં કરાયા ખાસ ફેરફાર

તે જ વર્ષે ઈન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપની રચના કરવામાં આવી. IMGની લગભગ 10 બેઠકો થઈ અને તેણે 2012માં પોતાની ભલામણો રજુ કરી. વીવીઆઈપી એરક્રાફ્ટ્સ માટે 2 વિકલ્પ સૂચવવામાં આવ્યા. હાલના B777 ER વિમાનને વીવીઆઈપી માટે કન્વર્ટ કરવામાં આવે, અથવા તો નવા એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે જેનો ઓર્ડર તો એરફોર્સ આપ્યો હતો પરંતુ તેની ડિલિવરી થઈ નહતી. ત્યારબાદ હાલના જ વિમાનમાં જરૂરી ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો. મોદી સરકારે આ વીવીઆઈપી એરક્રાફ્ટની પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયાને પૂરી કરી. 

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વીવીઆઈપી માટે એરક્રાફ્ટ ખરીદી પર હુમલો કરતા મંગળવારે પંજાબના નૂરપુરમાં કહ્યું કે ‘એકબાજુ પીએમ મોદીએ 8 હજાર કરોડ રૂપિયામાં 2 વિમાન ખરીદ્યા છે. બીજી બાજુ ચીન આપણી સરહદો પર છે અને આપણા સુરક્ષા દળો સરહદની સુરક્ષા માટે ભીષણ ઠંડીનો સામનો કરી રહ્યા છે.’

કૃષિ કાયદાના વિરોધમાં પોતાના પંજાબ પ્રવાસ સમયે કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી વિમાન ખરીદી પર હજારો કરોડ રૂપિયા ‘બરબાદ’ કરી રહ્યા છે. સૂત્રોએ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની અન્ય મોટાભાગની પહેલોની જેમ જ કદાચ તેઓ આ પ્રક્રિયાથી પણ અંતર જાળવવા માંગે છે. 

રાહુલ ગાંધીને જ્યારે એ તરફ ધ્યાન દોરવામાં આવ્યું કે ટ્રેક્ટરમાં ગાદી પર બેસવા અંગે ભાજપ તેમની ટીકા કરે છે તો તેમણે કહ્યું કે ‘પ્રધાનમંત્રીના એર ઈન્ડિયા વનમાં માત્ર ગાદી જ નહીં પરંતુ આરામ માટે અનેક શાનદાર બિસ્તર છે’. તેમણે મીડિયાને પૂછ્યું કે “તમે આ અંગે તેમને સવાલ કેમ નથી કરતા?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *