માસ્ક નહીં પહેરવા માટેના દંડની સત્તા પોલીસને આપવામાં આવ્યા બાદ પોલીસે ફક્ત દોઢ મહિનામાં જ પાલિકા કરતા ચાર ગણા દંડની વસૂલાત કરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 54.87 લાખનો દંડ માસ્ક વિના ફરતા લોકો પાસેથી વસૂલ કર્યો છે. જ્યારે પોલીસે 2.19 કરોડની વસૂલાત કરી છે.
પહેલા 100, પછી 200નો દંડ
અનલોક-1ની શરૂઆત 1 જૂનથી કરવામાં આવી હતી. જેથી 1 જૂન બાદ કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો ફરજીયાત માસ્ક પહેરવાનો અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરવાનો નિયમ બનાવ્યો હતો. શરૂઆતમાં માસ્ક વિના ફરતા લોકો પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવતો હતો. જેમાં દંડની રકમ વધારીને 200 રૂપિયા કરી દેવામાં આવી છે. 15 જૂનના રોજ પોલીસને પણ માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની સત્તા આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે 16 જૂનથી માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવાની શરૂઆત કરી હતી.
કુલ 1.24 લાખ લોકો પાસેથી દંડ વસૂલાયો
પોલીસે આજદિન સુધીમાં માસ્ક વિના ફરતા 1,09,626 લોકો પાસેથી 2,19,25,200 રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે. જ્યારે પાલિકાએ અત્યાર સુધીમાં 15,111 લોકો પાસેથી 54,87,740 રૂપિયા દંડ પેટે વસૂલ કર્યા છે. જેથી પાલિકા દ્વારા 1 જૂનથી માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસૂલ કરવા આવી રહ્યો છે. તેની સામે પોલીસ દ્વારા 16 જૂનથી દંડ વસૂલાત કરવાની શરૂઆત કરી હોવા છતાં દોઢ જ મહિનામાં પાલિકા કરતા ચાર ગણી વસૂલાત કરી છે.
કોરોનાના કેસમાં સતત વધારો
શહેરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા પણ છેલ્લા 10 દિવસથી નિયમોનું પાલન નહીં કરવાનાઓ પાસેથી દંડ વસૂલાત કરવા તમામ ઝોન પ્રમાણે ટીમ બનાવવામાં આવી છે. કેમ કે માસ્ક વિના ફરતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરવાના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય શકે છે.