શું 2000 ની નોટ બંધ થવા જઈ રહી છે? સરકાર દ્વારા મોટા નિર્ણયના સંકેત

By | August 26, 2020

દેશમાં અલગ-અલગ બેન્કોના ATMમાંથી રૂ. 2,000ની ચલણી નોટોનું પ્રમાણ ઘટી રહ્યું છે, કારણ કે તેનું પ્રિન્ટિંગ જ જાણે બંધ થઇ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી બેન્કોએ તો તેમના ATMમાં રૂ. 2,000ની નોટો નહીં રાખવાની સત્તાવાર રીતે જાહેરાત પણ કરી છે. ત્યારે આ મામલે હવે રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2,000ની ચલણી નોટ પ્રિન્ટ જ નથી કરવામાં આવી અને કેટલાક વર્ષથી આ નોટનું ચલણ ઘટી ગયું છે. આરબીઆઈએ તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે, દેશમાં માર્ચ 2020ના અંતે રૂ. 2,000ની 27,398 લાખ નોટો જ ચલણમાં હતી, જે રૂ. 2,000ની નોટના ચલણમાં આવેલો નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2,000ની નોટ પ્રિન્ટ જ નથી કરી  :- ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ નવેમ્બર 2016માં 500-1000 ની નોટબંધી લાગુ કર્યા પછી રૂ. 2,000ની નોટ ચલણમાં આવી હતી. જોકે, હવે બજારમાં તેનું ચલણ ઘટી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કના અહેવાલ મુજબ માર્ચ 2018ના અંતમાં દેશમાં રૂ. 2,000ની 33,632 લાખ નોટ ચલણમાં હતી, જે માર્ચ 2019માં ઘટીને 32,910 લાખ થઈ હતી.

2000ની નોટોના ચલણમાં ઘટાડો :- માર્ચ 2020ના અંત સુધીમાં દેશમાં ચલણી નોટોમાં રૂ. 2,000ની નોટનો હિસ્સો 2.4 ટકા છે, જે માર્ચ 2019માં 3 ટકા કરતાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. માર્ચ 2018ના અંતે દેશમાં ચલણી નોટોમાં રૂ. 2,000ની નોટોનો હિસ્સો 3.3 ટકા હતો. મૂલ્યના સંદર્ભમાં પણ રૂ. 2,000ની નોટનો હિસ્સો માર્ચ 2018માં 37.3 ટકાથી ઘટીને માર્ચ 2019માં 31.2 ટકા અને માર્ચ 2020ના અંતે તેનાથી પણ વધુ ઘટીને 22.6 ટકા થયો હતો.

500 રૂપિયા અને 200 રૂપિયાની નોટોનું ચલણ વધ્યું :- એક બાજુ 2000ની નોટનું ચલણ ઘટે છે ત્યારે બીજીબાજુ દેશમાં નાણાકીય વર્ષ 2018થી શરૂ થતાં ત્રણ વર્ષમાં 500 રૂપિયા અને 200 રૂપિયાની નોટોનું ચલણ મૂલ્ય અને જથ્થા બંનેના સંદર્ભમાં ક્રમશ: વધ્યું છે. આરબીઆઈના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રૂ. 2,000ની ચલણી નોટોના પ્રિન્ટિંગની માગણી પણ કરાઈ નહોતી અને ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ તથા સિક્યોરિટી પ્રિન્ટિંગ અને મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા તેનો નવો પૂરવઠો પણ પૂરો પાડવામાં આવ્યો નહોતો.

રિપોર્ટમાં જણાવાયું છે કે એક વર્ષ અગાઉની સરખામણીમાં વર્ષ 2019-20માં બેન્ક નોટ્સની માગણી 13.1 ટકા ઘટી હતી. 2019-20 દરમિયાન બેન્ક નોટનો પુરવઠો એક વર્ષ અગાઉની સરખામણીમાં 23.3 ટકા ઘટયો હતો. આરબીઆઈએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન રૂ. 500ની ચલણી નોટોના 1,643 કરોડ નંગની માગણી કરવામાં આવી હતી તેની સામે 1,200 કરોડ નંગનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો.

વર્ષ 2018-19 દરમિયાન રૂ. 500ની નોટોની માગણી 1,169 કરોડ નંગ અને પૂરવઠો 1,147 કરોડ નંગ હતો, જે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 500ની ચલણી નોટની માગ અને પૂરવઠામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું દર્શાવે છે. ઉપરાંત વર્ષ 2019-20 દરમિયાન બીઆરબીએનએમપીએલ અને એસપીએમસીઆઈએલને રૂ. 100ની નોટના 330 કરોડ નંગ, રૂ. 50ની નોટના 240 કરોડ નંગ, રૂ. 200ની નોટના 205 કરોડ નંગ, રૂ. 10ની નોટના 147 કરોડ નંગ અને રૂ. 20ની નોટના 125 કરોડ નંગના પ્રિન્ટિંગનો ઓર્ડર અપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *