રાજ્યમાં કોરોનાના કેસોનો સંખ્યા 20 હજારને પાર થઇ ગઈ છે. કોરોનાકાળ દરમિયાન અમદાવાદના દર્દીઓની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ છે. ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી કોરોનાના નામે મનફાવે તેટલા રૂપિયા વસૂલી રહી છે. હાઈકોર્ટની ફટકારની પણ કોઈ અસર નથી થઈ. કોરોના શંકાસ્પદ દર્દીને ખાનગી હોસ્પિટલમાંથી સિવિલમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સનાં 20 હજાર રૂપિયા લીધા હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતા સુભાષભાઇ જાદવને શંકાસ્પદ લક્ષણો જણાતા અર્બન સેન્ટરે તેમને SVP હોસ્પિટલમાં મોકલ્યા હતા. SVP હૉસ્પિટલમાં સુભાષભાઈના સેમ્પલ લઈને કહ્યું કે, અમારે ત્યાં એકપણ બેડ ખાલી નથી. તે પછી સાંજે તાત્કાલિક દર્દીને બોપલની ખાનગી સરસ્વતી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મોડી રાત્રે હોસ્પિટલમાંથી કોલ આવ્યો અને જણાવ્યુ કે તમારા દર્દીને વેન્ટિલેટરની જરૂર પડશે અને અમારી પાસે વેન્ટિલેટર નથી. માટે તમારા દર્દીને બીજે ખસેડી દો. પરિવારે દર્દીને ગાંધીનગર સિવિલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
હોસ્પિટલે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી. હોસ્પિટલમાંથી એવું કહેવાયું કે દર્દીને શિફ્ટ કરવાનો 20 હજારનો ચાર્જ ચૂકવવો પડશે. તેની પહોંચ પણ આપી હતી. પરિવારજનો પાસે પૈસા ન હોવાથી અન્ય સગાં પાસેથી ઉઘરાવીને 20 હજારની વ્યવસ્થા કરી હોસ્પિટલને ચૂકવ્યા હતા. ખોખરાના શૈલેષે અઢી મિનિટનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી પોતાની આપવીતી જણાવી હતી.