હાલ કોરોના મહામારી સરકાર માટે આફત નહિ પણ અવસર સમાન ચાલી રહી છે. મહામારીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે માસ્ક વગરના વાહન ચાલકો માટે 1,000 રૂપિયાનો દંડ નક્કી કર્યો છે, ત્યારે આવાં સમયમાં ફરી વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યાં છે.
રૂપાણી સરકાર દ્વારા હવે વાહનોનું PUC કઢાવવાં માટેનાં નવાં દર બહાર પાડવામાં આવ્યા છે. પહેલાંનાં દરમાં સરકારે લગભગ 50%નો વધારો કરી દીધો છે. પહેલાં ટુ-વ્હીલરોની માટે PUCનો દર 20 રૂપિયા હતો, જ્યારે ફોર-વ્હિલરની માટે PUCનો દર 50 રૂપિયા હતો.
જુના ભાવમાં ધરખમ વધારા સાથે જ સરકાર દ્વારા નવાં દર બહાર પાડવામાં આવ્યાં છે. હવે સમગ્ર રાજ્યમાં ટુ-વ્હીલનાં વાહનચાલકોએ PUC કઢાવવાં માટે 20 રૂપિયાને બદલે 30 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે, જ્યારે ફોર-વ્હીલર જો પેટ્રોલવાળી હોય તો એનો નવો ભાવ 50 રૂપિયાને બદલે 80 રૂપિયા જાહેર થયો છે.
આ ભાવ વધારાની અસર સમગ્ર રાજ્યનાં કરોડો નાગરિકોના ખિસ્સા પર થશે. આ ઉપરાંત 3 પૈડાનાં વાહનોનાં ભાવ 25 થી વધારીને 60 રૂપિયા કરવામાં આવ્યાં છે, જ્યારે મધ્યમ તથા ભારે વાહનો (ડીઝલ કાર સહિત ટ્રાન્સપોર્ટ વાહનો ) નાં ભાવ 60 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરવામાં આવ્યા છે.