પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા પર લાગી બ્રેક, આદેશ ગાંધીનગરથી કે દિલ્હીથી?

By | September 8, 2020

ગુજરાતમાં ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૌરાષ્ટ્ર યાત્રાને અચાનક લાગેલી બ્રેક રાજકીય ચર્ચાનો વિષય બની ગઈ છે અને આ બ્રેક દિલ્હીથી લાગી કે ગાંધીનગરથી એ મોટો પ્રશ્ન છે. 

જે રીતે પાટીલ અને તેનો કાફલો એક પછી એક શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ધસમસી રહ્યો હતો અને જે રીતે કોરોના પ્રોટોકોલનો ખુલ્લેઆમ ભંગ થતો હતો તેનાથી સરકાર પર જબરી તડાપીટ શરુ થઈ હતી અને પાટીલનો બચાવ કરવો તો કેમ કરવો? તે ભાજપ માટે પ્રશ્ર્ન બની ગયો હતો તો સૂત્રોના જણાવ્યા મુજબ યાત્રા અમરેલી જીલ્લામાં પ્રવેશ તે સમયે ખાસ મોનેટરીંગ થશે અને કાઈ પણ કોરોના પ્રોટોકોલ ભંગ ચલાવી નહી લેવા સ્થાનિક તંત્ર આકરા પાણીએ જઈ શકે છે તેવા સંકેત મળતા જ અંત હાલ આ યાત્રાને મોકુફ રાખવામાં આવી હતી.

એકતરફ પાટીલની યાત્રામાં સાથે રહેલા ભાજપના અનેક નેતાઓ એક બાદ એક પોઝીટીવ જાહેર થતા તપાસનું કનેકશન પાટીલની યાત્રા સાથે જોડવામાં આવી રહ્યું હતું અને સરકાર સામાન્ય લોકોને માસ્કનો દંડ કરતી હોય સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ દુકાનો સીલ કરતી હોય તે સમયે પાટીલનો કાફલો કોરોના પ્રોટોકોલને કચડતો આગળ વધે તેનાથી પ્રજામાં ખોટો સંદેશ જશે તેવું જણાવતા અંતે તેઓને હવે યાત્રા અટકાવવા માટેની ‘સૂચના’ આવી હતી 

તો બીજી તરફ સાબરકાંઠામાં જે રીતે મંડપ સર્વિસના ધંધાર્થીઓએ તમામ રાજકીય કાર્યક્રમોનો બહિષ્કાર કરવા જાહેરાત કરી તે પણ કામ કરી ગયું. લોકોને માઈકની મનાઈ અને નેતાઓને ખુલ્લી છૂટ આ બધું અંતે તો ભાજપને જ નુકશાન કરશે તેવો સંદેશો ગયો હતો અને પાટીલને પરત ફરવું પડયું. જો કે પક્ષના સૂત્રો કહે છે કે આ ફકત ‘બ્રેક’ છે. પાટીલ કદાચ પરત ફરશે પણ ‘નેતા’ તરીકે નહી ભાજપ પ્રમુખ તરીકે જ તેઓ પક્ષની બેઠકો સંબોધશે.

અમદાવાદના જીલ્લા કલેકટર કે.કે.નિરાલાની બદલીએ અને ખાસ કરીને આ પદ પર છેક બનાસકાંઠા કલેકટર જનાર્દન સાગ્લેની નિયુક્તિએ અનેકના ભવા ઉંચા કર્યા છે. નિરાલાએ મુખ્યમંત્રીઓની ગુડબુકમાં જ હતા. અને અમદાવાદથી કોરોના કટોકટીમાં સારી કામગીરી કરી હતી પણ તમો ફકત નવ માસ માટે જ કલેકટર રહ્યા હતા. 

હવે તેમની આ બદલીમાં અનેક તર્ક મુકાય છે. તેમને ગૃહ જેવા મહત્વના ખાતામાં મુકાયા છે પણ શું બિલ્ડર્સ લોબીની કમાલ છે? નિરાલા પાસે પેન્ડીંગ ફાઈલોનો ઢગલો હતો પણ તેમાં કેટલીક રાજકીય સંવેદનશીલ હતી તેથી તેઓ કોરોના કાળ પુરો થાય તેની રાહ જોતા હતા. છેલ્લે એક તર્ક મુકાય છે. નવા કલેકટરનું દક્ષિણ ગુજરાત કનેકશન. સાંગ્લેએ મોટાભાગનો સમય દક્ષિણ ગુજરાતમાં ફરજ બજાવી છે અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પણ દક્ષિણ ગુજરાતના જ છે!

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પહેલા મંત્રીઓને કમલમમાં લાવ્યા અને સાંસદો અને ધારાસભ્યોના પ્રશ્ર્નોને અગ્રતા આપવા શાસનને જણાવાયુ હોવાનો સંકેત છે. હાલમાં જ રાજયના મુખ્ય સચિવ અનીલ મુકીમે બાબુશાહી-અધિકારીઓને તાકીદ કરીને ધારાસભ્યો કે સાંસદોની ફરિયાદ આવવી જોઈએ નહી. રોડ-પાણી-ઈલેકટ્રીસીટી જેવા બેઝીક પ્રશ્ર્નો પણ ઉકેલાતા નથી અને ધારાસભ્યો-સાંસદોને સતત આવા પ્રશ્ર્નોનો સામનો કરવો પડે છે તેઓ રજુઆત કરે તો પણ જીલ્લા મથક કે ગાંધીનગર સુધી વાત પહોંચતી નથી. આ સ્વીકાર્ય નથી.
 
ગુજરાતની આમ જનતા જ જે કોઈ હાલત હોય પણ અમદાવાદ-ગાંધીનગરના સચિવોને તો કોરોનાથી લાભ થયો છે. એક તરફ અનેક અધિકારીઓને ખાસ કોરોના ફંડ મળ્યું તેનો ઉપયોગ તેમના બંગલાઓના રીનોવેશન માં કરાવી લીધો. સરકારે અનેક વિભાગોના બજેટ રોકવા પણ અધિકારીઓના બંગલા બજેટ- સરળતાથી પસાર થઈ ગયા તો અમદાવાદમાં વધતા અનેક અધિકારીઓએ કોરોનાની આડમાં અમદાવાદના સરકારી ફલેટ છોડીને ગાંધીનગરમાં બંગલા એલોટ્ટ કરાવી દેવાની ચર્ચા છે.
 
ગુજરાતમાં હાલમાં જ મુખ્યમંત્રીએ ચાઈનાથી પરત ફરી શકતા ઉદ્યોગોને ગુજરાતમાં લાવવા લાલ જાજમ બીછાવી હતી. નવી ઔદ્યોગીક નીતિ પણ જાહેર કરી પણ ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસની સ્થિતિ નથી તે સાબીત થયુ છે. પુર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફકત ‘વેલકમ’ એસ.એમ.એસ.થી ગુજરાતને ઓટો ઉદ્યોગનું હબ બનાવી દીધું પણ હાલમાં ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગનો ઈન્ડેકસ છેક 10માં ક્રમે આવ્યો. 

રાજય પાંચમા ક્રમે હતું અને વાતાવરણનો પ્રથમ ક્રમ જેવો હતો પણ મુખ્યમંત્રીની આખી મહેનત પાણીમાં ગઈ છે હવે તેમાં મુખ્યમંત્રીના એડીશ્નલ ચીફ સેક્રેટરી અને ઉદ્યોગ વિભાગના ઈન્ચાર્જ એડીશ્નલ ચીફ સેક્રેટરી મનોજ દાસ લાઈન ઓફ ફાયરીંગમાં આવે તો તે ખુદ સી.એમ. માટે મુશ્કેલી થાય હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરતા જે છે તેનું યોગ્ય પાલન થતું નથી. નીતિ ગમે તેટલી આકર્ષક હોય પણ જો તેનું પાલન ન થાય તો કોઈ કાયમી નથી. ભારતમાં આમ પણ ‘બાબુશાહી’ છે જે અને તેમાં આ સ્થિતિ વણસી છે.
 
રાજયમાં ચીફ સેક્રેટરી તો હાલ એકસટેન્શન આપી દેવાયું છે જેવી આગામી છ માસ ચિંતા નથી પણ ગૃહ સચિવ સંગીતા સિંઘ ઓકટોબરમાં નિવૃત થાય છે અને તેમના સ્થાને આવવા બે અધિકારીઓ સ્પર્ધામાં છે. પ્રથમ પંકજકુમાર જેઓ હાલ મહેસુલ વિભાગનાં એડી. ચીફ સેક્રેટરી છે તો અમદાવાદમાં કોરોના કામગીરી બજાવનાર વન- પર્યાવરણ વિભાગના એડી. ચીફ સેક્રેટરી રાજીવકુમાર ગુપ્તા છે. બન્ને 1986 બેચના અધિકારીએ પણ રાજયના પોલીસ વડા આશિષ ભાટીયા 1985 બેચના અધિકારી છે. મતલબ કે તેનાથી જુનીયર તેમના સીનીયર બની જશે. હવે ભાટીયાની સીનીયર મળે તેમ નથી. શું દિલ્હીથી કોઈ આયાત થશે?
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં કર્મયોગી યોજના અમલ મુકી છે. જેમાં 30 વર્ષ કે તેથી વધુ જ નહી કોઈપણ સરકારી કર્મચારીઓ જો કાર્યક્ષમ સાબીત ન થાય તો તેને નોકરીમાંથી કાઢી મુકવાની જોગવાઈ છે અને પહેલો ટાર્ગેટ આઈએએસ, આઈપીએલ, આઈએફએસ અધિકારીઓ બનશે. ગુજરાતમાં પણ રાજય સરકારને આ પ્રકારના અધિકારીઓને ઓળખી કાઢવા જણાવાયું છે. તેના કારણે અનેક અધિકારીઓની ઉંઘ હરામ છે. ખાસ કરીને તેમના બંગલા અને વૈભવી જીવન શૈલીથી જ તપાસ શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *