રાહુલ-પ્રિયંકાની હાથરસ જતા અટકાયત : રાહુલ સહિત 203 લોકો સામે FIR, પોલીસ સાથે ધક્કા-મુક્કીમાં નીચે પડી ગયા

By | October 2, 2020

હાથરસમાં ગેંગરેપ પીડિતના પરિવારને મળવા જઈ રહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધીને યુપી પોલીસે ગ્રેટર નોઈડા એક્સપ્રેસ-વે પર જ રોકી દીધા. જ્યારે તેઓ ન માન્યા તો બપોરે લગભગ 2.30 વાગ્યે તેમની ઈકોટેક-1 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંનેને પોતાની ગાડીમાં બેસાડીને જેવરની પાસે આવેલા ફોર્મ્યુલા-1 ગેસ્ટ હાઉસ લઈ ગઈ.

રાહુલ સહિત 203 લોકો સામે FIR
ગૌતમબુદ્ધનગર જિલ્લાના ઈકોટેક 1 પોલિસ સ્ટેશને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત 200 લોકો સામે કેસ દાખલ કર્યો છે. પોલીસનો આરોપ છે કે બન્ને નેતાએ DNDના માર્ગે કાફલા સાથે નોઈડામાં પ્રવેશ કર્યો. તેમની સામે ધારા-144 અને કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

આ પહેલા રાહુલ અને પ્રિયંકા કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે 1.30 વાગ્યે એક્સપ્રેસ-વે પર પહોંચ્યા હતા. ત્યાં તેમના કાફલાને પોલીસે રોકી દીધો હતો. તે પછી તેઓ પગે ચાલતા-ચાલતા આગળ વધવા લાગ્યા. આ દરમિયાન પોલીસ તેમને સમજાવતી રહી. થોડું ચાલ્યા પછી પોલીસે તેમને ફરી રોક્યા. પોલીસે રાહુલનો કોલર પણ પકડ્યો. ધક્કામુક્કીમાં રાહુલ જમીન પર પડી ગયા. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે રાહુલના હાથમાં ઈજા થઈ છે.

કોંગ્રેસ કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ થયો
એક પોલીસ અધિકારીએ કહ્યું કે રાહુલ-પ્રિયંકાને પરત ફરવા માટે કહેવામાં આવશે, માનશે નહિ તો કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ બંને નેતાઓની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ એક્સપ્રેસ-વે પર હોબાળો કર્યો તો પોલીસે લાઠીચાર્જ કરી દીધો. તે પછી કોંગ્રેસ કાર્યકર્તા ધરણાં પર બેઠેલા રહ્યા.

રાહુલે મોદી પર નિશાન સાધ્યું
રાહુલે કહ્યું પોલીસે મને ધક્કા માર્યા, લાઠી ચાર્જ કર્યો, મને જમીન પર પાડ્યો. અમારી ગાડીઓ રોકવામાં આવી હતી. આ કારણે અમે પગે ચાલવાનું શરૂ કર્યું. આજના હિન્દુસ્તાનમાં માત્ર મોદી જ પગે ચાલી શકે છે, મોદી પ્લેનમાં ઉડી શકે છે.

પોલીસે રાહુલને ધારા-144નો હવાલો આપીને રોક્યા તો રાહુલે કહ્યું કે હું એકલો હાથરસ જઈશ. છતાં પણ પોલીસ તેમની ધરપકડ કરવા લાગી તો રાહુલે પૂછ્યું કે કઈ ધારા અંતર્ગત તમે આ કાર્યવાહી કરી રહ્યાં છો, લોકો અને મીડિયાને જણાવો ? પોલીસે કહ્યું કે તમે ધારા-188નું વાયોલેશન કર્યું છે.

4 વર્ષ પહેલાં રાહુલ-પ્રિયંકાને નોઇડા જતાં અટકાવવામાં આવ્યાં હતાં
વર્ષ 2016માં રાહુલ અને પ્રિયંકા ગેંગરેપ પીડિત પરિવારને મળવા માટે નોઈડા પહોંચ્યાં હતાં, પરંતુ તત્કાલીન સપાસરકારે તેમને અટકાવી દીધાં હતાં. પછી બંનેને દિલ્હી પરત ફરવું પડ્યું હતુ.

હાથરસના મામલે પ્રિયંકા સતત યોગીસરકાર પર હુમલા કરી રહ્યાં છે. તેમણે SITની રચના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. પ્રિયંકાએ બુધવારે ટ્વીટ કર્યું હતું અને મુખ્યમંત્રી યોગીને 3 સવાલ પૂછ્યા હતા. તેમનો સૌથી મોટો સવાલ એ હતો કે કુટુંબમાંથી બળજબરીથી છીનવીને પીડિતાના દેહને સળગાવી દેવાનો આદેશ કોને આપ્યો હતો?

મુખ્ય માર્ગ પર બેરિકેડિંગ કરીને ગામને છાવણીમાં ફેરવવામાં આવ્યું
પીડિતના ગામમાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આખું ગામ છાવણીમાં ફેરવવામાં આવ્યું છે. કોઈ બહારની વ્યક્તિ પીડિતના ઘર સુધી પહોંચી ન શકે, એ માટે ગામ બહાર મુખ્ય માર્ગ ઉપર બેરિકેડ લગાવવામાં આવ્યાં છે. મીડિયાને પણ ગામમાં આવવાની મંજૂરી નથી. ગામના એન્ટ્રી પોઇન્ટ પર એડીએમ કક્ષાના અધિકારીઓ તહેનાત છે.

માયાવતીએ કહ્યું – મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ
બસપા-અધ્યક્ષ માયાવતીએ કહ્યું છે કે જો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મહિલાઓની રક્ષા નથી કરી શકતા તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે યોગીને તેમની જગ્યાએ એટલે કે ગોરખનાથ મઠ પર મોકલવા જોઈએ. જો તેમને એ પણ ગમતું ન હોય તો તેમને રામ મંદિર બનાવવાની જવાબદારી સોંપી દેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *