રાજકોટમાં યુવકની મહિલા સામે દાદાગીરી, કહ્યું, ‘CM રૂપાણી મારા માસા છે’

By | July 26, 2020

રાજકોટના એક યુવકની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે યુવક એક મહિલાને ગાળો આપીને દાદાગીરી કરી રહ્યો છે. વીડિયોમાં તે યુવક ‘CM મારા માસા છે’ એમ કહીને મુખ્યમંત્રીનું નામ વટાવતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ યુવકે સાયકલ પર જતી એક યુવતીને કારથી ટક્કર મારી હતી. બાદમાં આ કાર ચાલકે CMનું નામ લઇને ઓળખ આપી દાદાગીરી કરી હતી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

માફી માંગવાને બદલે ઉલ્ટાની દાદાગીરી પર ઉતર્યો યુવક

શનિવારે સવારનાં 6 વાગ્યે નિર્મલા રોડ પર એક યુવતી સાઇકલિંગ કરી રહી હતી, એવામાં એક કાળા રંગની કાર ધસી આવી હતી. જેને સાઇકલને ટક્કર મારતા યુવતી રસ્તા પર પડી ગઇ હતી. જો કે બાદમાં કાર ચાલકે માફી માંગવાને બદલે તે યુવતી પર ઉલ્ટાનો તાડૂકવા લાગ્યો અને યુવતીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી ત્યાં હાજર કોઇ શખ્સે આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.

જો કે મોબાઇલથી વીડિયો ઉતારતી વેળાએ કારચાલક શખ્સે કહ્યું કે, ‘મારું નામ પાર્થ જસાણી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાનાં મિત્રો છે, મારા પિતા એડવોકેટ છે અને બેંકનાં ડિરેક્ટર છે. ફરિયાદ કરી ગુનામાં ફિટ કરાવી દઇશ’ એમ કહીને યુવતીને ધમકાવી હતી.

CMO દ્વારા પોલીસ કમિશ્નરને સૂચના અપાઇ

જો કે ઘટનાસ્થળે ત્યાં હાજર રહેલા લોકોએ કારચાલકને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે વધુ ઉશ્કેરાવા લાગ્યો હતો. ઉપરાંત યુવતીને માફી માંગવા દબાણ કરતો હતો. જો કે CMનું નામ લેતા આ મામલે CM કાર્યાલયે પણ ગંભીર નોંધ લીધી છે.

મુખ્યમંત્રી કાર્યાલયથી પોલીસ કમિશ્નરને સૂચના આપવામાં આવી હતી કે, શહેરમાં આવી ઘટના બને અને મુખ્યમંત્રીનું નામ ખોટી રીતે વટાવવામાં આવે તે યોગ્ય નથી. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ ઘટનાને ગંભીરતાથી લઇ વીડિયોમાં દેખાતા શખ્સની શોધખોળ હાથ ધરી હતી. જો કે પોલીસે ગણતરીનાં જ કલાકોમાં નિર્મલા રોડ પર રહેતા પાર્થ જસાણી નામનાં શખ્સની અટકાયત કરી હતી. પોલીસે CMનું નામ વટાવનાર મેડિકલનાં વિદ્યાર્થીને ઝડપી લઇ તેની આગવી ઢબે સરભરા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *