સુરતની હોસ્પિટલમાં થઈ એવી ચોરી કે જેનાથી કોરોના દર્દીઓ થયા પરેશાન, સમગ્ર ઘટના CCTVમાં કેદ

By | September 8, 2020

સુરતમાં આવેલી અલથાણાની હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી ચોરી થઈ રહી છે. કોરોનાના અનેક દર્દીઓની કિંમતી ચીજો સાથે રેમડેસીવીર ઈન્જેક્શન પણ ચોરાઈ ગયાં છે. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ મામલો હાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. પોલીસે સીસીટીવીના ફુટેજના આધાર તપાસ હાથ ધરી છે.

દર્દીના કિંમતી સામાનની થઇ ચોરી

અલથાણ સ્થિત રત્નદીપ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિના દરમ્યાન સારવાર હેઠળના કોરોનાના દર્દી અને તેમના સંબંધીની કિંમતી વસ્તુઓની ચોરી થતી હોવાની ફરિયાદ મેનેજમેન્ટને મળી હતી. જેમાં સારવાર હેઠળના કોરોનાના દર્દીના સંબંધી જગદીશ પાંડેના રોકડા રૂા.10,000, હંસાબેન જરીવાલાનો મોબાઇલ ફોન, જશોદાબેન જરીવાલાની કાનની બુટ્ટી અને મોબાઇલ ફોન, જ્યંતી રાણાનો મોબાઇલ ફોન અને લતાબેન ભુપતાનીનું રેમીડીસીવર ઇન્જેક્શન અને મોબાઇલ ફોન અને રવિ પરમાર નામની વ્યક્તિના રૂા. 7500 ની મત્તા ચોરી થઇ હતી. જેને પગલે મેનેજમેન્ટ હોસ્પિટલના સરસામાનની તપાસ કરતા પલ્સ ઓક્સી મીટર 3 નંગ, ગ્લુકો મીટર 1 નંગ, ગ્લુકો મીટર સ્ટ્રીફ 100 નંગ, થર્મોમીટર 2 નંગ મળી કુલ રૂ.7700ની મત્તા ગુમ હોવાનું ધ્યાને આવ્યું હતું.

જેથી આ અંગે મેનેજમેન્ટે હાથ ધરેલી તપાસમાં હોસ્પિટલમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતી અર્ચનાસિંહ રાજીવસીંગ (ઉ.વ. 30 રહે. રૂમ નં. 383, સુભાષનગર ગલી નં. 4, લિંબાયત) ચોરી કર્યાનું ધ્યાને આવ્યું હતું. જેને પગલે હોસ્પિટલના મેનેજર પાર્થ રાજેશ દેસાઇ (ઉ.વ. 29 રહે. 72, જય અંબેનગર સોસાયટી, રાજ આર્કેડની પાછળ, પાલ) એ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એ.કે. કુવડીયાએ અર્ચનાસીંગની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર ઘટના CCTV માં કેદ

કોરોનાગ્રસ્ત માતાની સોનીની બુટ્ટી ગુમ થતા પુત્રએ ખટોદરા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ અરજીની તપાસ અંતર્ગત પોલીસે હોસ્પિટલના કર્મચારીઓની માહિતી મેળવી હતી. ઉપરાંત હોસ્પિટલમાં સીસીટીવી ફુટેજ ચેક કરતા સફાઇ કામદાર અર્ચનાસીંગની વર્તુણક શંકાસ્પદ જણાય આવી હતી. જેના આધારે પોલીસે અર્ચનાસીંગની પુછપરછ કરવાની સાથે તેના ઘરે સર્ચ કરતા મોબાઇલ ફોન અને ગ્લુકો મીટર, ઓક્સી મીટર સહિતનો સામાન મળી આવ્યો હતો.

આ અગાઉ એશિયામાં સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ ચોરી થઇ હતી. તેમાં મૃત દર્દીઓના મોબાઈલ અને સોનાના દાગીના ચોરી થયા હતા. આખા પ્રકરણમાં સેનિટાઇઝ કરવા આવનાર 2 વ્યક્તિઓ જ ચોરી કરતા હોવાનો ખુલાસો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *