રશિયાએ શોધી વિશ્વની પ્રથમ કોરોના વેક્સિન, રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને પણ આપી

By | August 11, 2020

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે કોરોના વાયરસની પ્રથમ વેક્સિન શોધી લીધી હોવાની જાહેરાત કરી છે. પુતિનના દાવા પ્રમાણે આ વિશ્વની સૌ પ્રથમ સફળ કોરોના વાયરસ વેક્સિન છે જેને રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે. વધુમાં પુતિને પોતાની દીકરીને પણ આ વેક્સિન આપી હોવાનું જાહેર કર્યું છે. 

આ વેક્સિનને મોસ્કોની ગામેલ્યા ઈન્સ્ટિટ્યુટે ડેવલપ કરી છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ વેક્સિનને સફળ જાહેર કરી છે. આ સાથે જ પુતિને રશિયામાં જલ્દી જ આ વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને મોટી સંખ્યામાં તેના ડોઝ તૈયાર કરવામાં આવશે તેવી ઘોષણા કરી હતી. પુતિને જણાવ્યું કે તેમની દીકરી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી અને બાદમાં તેણીને આ નવી વેક્સિન આપવામાં આવી હતી. થોડા સમય માટે તેણીના શરીરનું તાપમાન વધ્યું હતું પરંતુ હવે તે એકદમ સ્વસ્થ છે. 

WHOના અહેવાલ પ્રમાણે હાલ વિશ્વમાં આશરે 100 કરતા પણ વધારે વેક્સિન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા, બ્રિટન, ઈઝરાયલ, ચીન, રશિયા, ભારત જેવા દેશો પણ સામેલ છે. ભારતમાં કોરોના વેક્સિનનું નિર્માણ હજુ બીજું સ્ટેજમાં છે. 

જો રશિયાની આ વેક્સિનને WHO દ્વારા મંજૂરી આપવામાં આવે તો સમગ્ર વિશ્વ માટે એક મોટી રાહત સાબિત થશે. રશિયામાં કોરોના સંક્રમણના આશરે 9 લાખ જેટલા કેસ સામે આવી ગયા છે અને 15,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. 

કોરોના વાયરસના સૌથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા હોય તેવા દેશોની યાદીમાં રશિયાનો સમાવેશ થાય છે. રશિયામાં વડાપ્રધાન ઉપરાંત કેબિનેટના અન્ય સદસ્યો પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. સમગ્ર વિશ્વની વાત કરીએ તો અત્યાર સુધીમાં બે કરોડ કરતા પણ વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે અને 7 લાખ કરતા વધુ લોકો તેના કારણે મૃત્યુ પામ્યા છે. અમેરિકા, બ્રાઝિલ, ભારત અને રશિયા વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *