રાજ્યમાં આ શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે?

By | September 15, 2020

રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે હવે લોકો જાતે પરિસ્થિતિને સમજીને લોકડાઉન જાહેર કરી રહ્યા છે. રાજ્ય સરકારે તો એક પછી એક જગ્યાએ અનલોક જાહેર કરી રહી છે, પરંતુ કોરોના પર કાબૂ મેળવવા રાજ્યના લોકો સ્વંયભૂ લોકડાઉનનો રસ્તો અપનાવી રહ્યા છે. આજે રાજકોટ, ખેડબ્રહ્મા અને જૂનાગઢમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી જતા આજથી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન અમલમાં રહેશે. જીવનજરૂરી ચીજો માટે બજાર સવારે 8 થી 11 ખુલ્લું રહેશે. નગરપાલિકા દ્વારા નગરની ગલીએ ગલીએ જાહેરાત કરી આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવા અપીલ કરાઈ છે. જોકે, આ વચ્ચે આવશ્યક સેવાઓ જેમ કે, દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે.

ખેડબ્રહ્મા 8 દિવસ બંધ રહેશે. આજથી સોમવાર તા.14થી 21 સુધી ખેડબ્રહ્માના બજારોમાં સ્વયંભૂ બંધ રહેશે. ખેડબ્રહ્માનુ બજાર 24×7 બંધ રહેશે. ફકત દૂધ – મેડીકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરી ચાલુ રહેશે. પોતાના રક્ષણ માટે સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે. ખેડબ્રહ્મામાં લોકો જણાવી રહ્યા છે કે બંધનો સમય હવે આવી ગયો છે. ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશને આ નિર્ણય લીધો છે તથા લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે.

સુરતના માંગરોળ તાલુકા મથકે 12 સપ્ટેમ્બરથી 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસને લઈ ગ્રામ પંચાયતે આ નિર્ણય લીધો છે. જોકે આ દરમિયાન માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.

કોરોનાના કેસોમાં વધારો થતાં રાજકોટ દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. સોમવારે સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રહેશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે. કોરોનાના કેસ વધતા રાજકોટ દાણાપીઠના વેપારીઓએ આ નિર્ણય લીધો છે. રાજકોટમાં સોની બજાર બાદ દાણાપીઠ એસોસિયેશન દ્વારા સ્વચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. 7 દિવસ દાણાપીઠમાં લોકડાઉન રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 35 ઝવેરીઓના મોત થતાં શનિવારથી સોનીબજારમાં પણ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી છે. તો બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે.

રાજકોટના ગોંડલમાં એક સપ્તાહનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એક સપ્તાહ સુધી અડધા દિવસનું લૉકડાઉન રહેશે. સામાજિક સંસ્થા, વેપારીઓ દ્વારા આ નિર્ણય લેવાયો છે. પાલિકા અને યાર્ડ પણ લૉકડાઉનના સમર્થનમાં ઉતર્યા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર બાદ જિલ્લામાં પણ લોકડાઉનનો નિણર્ય લેવામાં આવ્યો છે. ગોંડલમા આવતીકાલથી એક સપ્તાહ અડધો દિવસનુ સ્વૈચ્છિક લોક્ડાઉન પાળવામાં આવશે. સામાજિક સંસ્થા અને વેપારીઓએ તથા આગેવાનોએ કોરોનાની સ્થિતિને જોતા આ નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયમાં પાલિકા અને યાર્ડ પણ આ લોકડાઉનમાં જોડાશે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રવિવારે કોરોનાના નવા 1326 નવા દર્દીઓ નોંધાયા છે તો સારવાર દરમિયાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતાં વધુ 15 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદ શહેરમાં 4, સુરત જિલ્લામાં 4, સુરત શહેરમાં 2, ભરૂચ,ભાવનગર, રાજકોટ શહેર, વડોદરા જિલ્લો અને વડોદરા શહેરમાં એક-એક દર્દીનાં મોત થયા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 3213 દર્દીનાં મોત થયા છે.

ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 16,439 છે, જેમાંથી 87 દર્દી વેન્ટીલેટર પર છે તો 16,352 દર્દી સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,13,662 પર પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 94,010 દર્દીઓ સાજા થયા છે. સરકારે દાવો કર્યો છે કે, રાજ્યના જુદા જુદા જિલ્લામાં આજની તારીખે 7,42,968 વ્યક્તિને ક્વોરન્ટાઈન કરાયા છે, જે પૈકી 7,42,460 હોમ ક્વોરન્ટાઈન છે, 508 વ્યક્તિ ફેસિલિટી ક્વોરન્ટાઈનમાં છે. આજે રાજ્યમાં 68,826 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 32.88 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દિવસ દરમિયાન 1,205 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ થયા છે.

સરકારનો દાવો છે કે, ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર 82.71 ટકા છે. સરકારી ચોપડે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સુરત શહેરમાં 175 નોંધાયા છે, એ પછી અમદાવાદ શહેરમાં 151, ત્રીજા ક્રમે સુરત જિલ્લામાં 106 કેસ, જામનગર શહેરમાં 99, રાજકોટ શહેરમાં 99 વડોદરા શહેરમાં 85, રાજકોટ જિલ્લામાં ૫૨, ભાવનગર શહેરમાં 39 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો એક લાખ વટાવી ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *