સંબિત પાત્રા ફરી ભાન ભૂલ્યા, આતંકી હુમલાનો શિકાર બનેલા બાળક પર કરી ‘શરમજનક’ ટિપ્પણી

By | July 1, 2020

જમ્મુ કાશ્મીરના સોપોરમાં સીઆરપીએફ ટીમ પર થયેલા એક આતંકી હુમલા દરમિયાન 1 જવાન શહીદ થઇ ગયો હતો, જ્યારે એક નાગરિકનું પણ મોત થયુ હતું. આ હુમલા દરમિયાન એક ત્રણ વર્ષના બાળકની દર્દનાક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ આતંકવાદી હુમલા દરમિયાન બચાવવામાં આવેલા 3 વર્ષના બાળકને જમ્મુ કાશ્મીર પોલીસ બાળકની માતા પાસે લઇને જતી હતી. આ દરમિયાન તે રડતા બાળકને ચુપ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. બાળક હુમલા દરમિયાન પોતાના મૃત સબંધી પાસે બેઠેલો હતો.

આ વાયરલ તસવીરમાં બાળક પોતાના દાદાના મૃતદેહ પાસે બેઠેલો છે. આ તસવીરને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ શેર કરી છે. આ તસવીરને શેર કરતા સંબિત પાત્રાએ લખ્યુ- ‘પુલિત્ઝર લવર્સ???’ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ફરી એક વખત ટ્વિટર પર ટ્રેન્ડમાં આવી ગયા છે. સંબિત પાત્રાની આ ટ્વીટને બોલિવૂડ હસ્તીઓ સહિતનાઓએ શરમજનક ગણાવી છે.

શું છે આ ‘પુલિત્ઝર લવર્સ’?

આ વર્ષે બેસ્ટ ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં પુલિત્ઝર એવોર્ડ એસોસિએટ પ્રેસ (એપી)ના કાશ્મીરના ત્રણ ફોટોગ્રાફરો મુખ્તાર ખાન, ડાર યાસીન અને જમ્મુના ચન્ની આનંદને આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ તેમણે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ-370ને હટાવવામાં આવ્યા બાદ જોવા મળેલી સ્થિતિની કેટલીક તસવીરો પર આપવામાં આવ્યો હતો.

સંબિત પાત્રા સોશ્યિલ મીડિયા યુઝર્સના નિશાને :-

સંબિત પાત્રાના આ નવા ‘પુલિત્ઝર લવર્સ???’ ટ્વીટને લોકો અસંવેદનશીલ ગણાવી રહ્યા છે. કેટલીક મોટી હસ્તીઓ જેવી કે વિશાલ દદલાની, દિયા મિર્ઝા, હંસલ મહેતા, જિગ્નેશ મેવાણી વગેરે એ આ તસવીરને લઇને સંબિત પાત્રા પર નિશાન સાધ્યુ છે.

મ્યૂઝિક આર્ટિસ્ટ વિશાલ દદલાનીએ લખ્યુ કે, ‘તમે તમારા ખરાબ વિચારોની સચ્ચાઇ બતાવી દીધી છે.’ તો પાત્રાએ જવાબ આપ્યો. ‘વિશાલ જી, સત્ય બોલવા પર તમને મારા વિચાર ખરાબ લાગે છે, આટલા જ ખરાબ તમને જિહાદ પણ લાગત.’

દલિત નેતા જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, આ વ્યવહારનું કેવું સ્તર છે? પહેલા અનૌપચારીક રીતે આર્ટિકલ 370 હટાવી અને આશ્વાસન આપ્યુ કે ઘાટીમાં શાંતિ લાવીશું. પછી એક રડતા બાળકની મજાક ઉડાવી અને એક કાશ્મીરી નાગરિકનું મોત થયુ છે. તેનાથી ખબર પડે છે કે તમે કેટલા બેશરમ છો અને અહી કોઇ શાંતિ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *