આ મહિલા IPS અધિકારી એક સમયે 10 કિલોમીટર ચાલીને શાળાએ જતા હતા, આજે છે વડોદરા ઝોન-4 ના DCP

By | June 7, 2020

“દરરોજ દસ કિલોમીટર ચાલીને હું સ્કૂલે જતી. કારણ કે ધોરણ-8 પછી આગળ ભણવા માટે અમારા ગામમાં સ્કૂલ જ નહોતી. સ્કૂલેથી છૂટીને ઘરે આવી ખેતરમાં કામે જવું પડતું. ક્યારેક કન્ટ્રક્શન કામે પણ જવું પડતું. આવી પરિસ્થિતિ હોવા છતાં મેં પોલીસ અધિકારી બનવાનું સપનું જોયું અને સખત મહેનતથી સાકાર કરી બતાવ્યું.”

આ શબ્દો છે વડોદરા ઝોન-4ના DCP સરોજકુમારીના. આ IPS અધિકારી પોતાના સમાજહિતના કામથી સતત સિદ્ધિ-પ્રસિદ્ધિ પામતા રહ્યા છે.

મૂળ રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લાના ચિડાવા તાલુકા તાબેના બુડાનીયા ગામના વતની સરોજકુમારીનું બાળપણ ખૂબ સંઘર્ષોમાં વીત્યું. સરોજકુમારી 3 વર્ષની હતી ત્યારે જ પિતા આર્મીમાંથી નિવૃત્ત થઈ ગયેલા. આર્થિક સ્થિતિ બહુ સારી નહિ. કુટુંબના ભરણ-પોષણ માટે ત્રણ ભાઈની સાથે સરોજકુમારીને પણ ક્યારેક ખેતરમાં તો ક્યારેક કન્ટ્રક્શન સાઈટ ઉપર મજૂરીકામે જવું પડતું.

તે સમય ખૂબ કપરો હતો. ધોરણ દસ સુધી માંડ પહોંચી હોય ત્યાં તો મોટાભાગની દીકરીઓના લગ્ન થઈ જતા. સરોજકુમારીના લગ્ન માટે પણ લોકો ખૂબ દબાણ કરવા લાગ્યા. પરંતુ માતા-પિતાને દીકરી ઉપર પૂરો ભરોસો હતો કે આ દીકરી ભણી-ગણી ચોક્કસ ઓફિસર બનશે.

સરોજકુમારી આગળના અભ્યાસ માટે જયપુર ગઈ. ત્યાં ગ્રેજ્યુએશન પૂરું કરી ત્યાંથી ચૂરીની સરકારી કોલેજમાં સોશિયોલોજી વિષય સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન અને પછી એમ.ફિલ. પણ કર્યું. પરંતુ તેની ઈચ્છા તો પહેલેથી જ IPS ઓફિસર બનવાની હતી. કિરણ બેદી વિશે તે સતત વાંચતી. તેના વિશે જાણી તેની જેમજ પોલીસ ઓફિસર બનવાની તેને ઈચ્છા જાગેલી. 2010માં તેણે સખત મહેનત કરી અને UPSCની પરીક્ષા પાસ કરી પોતાનું તથા માતા-પિતાનું સપનું સાકાર કર્યું. સરોજકુમારી કહે છે કે હું આજે પણ કિરણ બેદીની એટલી જ મોટી ફેન છું, પ્રશંસક છું.

ગુજરાત કેડરના આ IPS અધિકારી ટ્રેનીંગ પુરી કરી પહેલા સાબરકાંઠામાં ASP બન્યા અને ત્યારબાદ બોટાદમાં SP તરીકેની કામગીરી કરી.

બોટાદમાં લેડી સિંઘમ તરીકે પ્રસિદ્ધ થયેલ સરોજકુમારીએ હપ્તા ઉઘરાવતા કેટલાય ગુંડાઓને ભોં ભેગા કરી દીધા. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા અનેક અસામાજિક તત્વોને જેલભેગા કર્યા.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાં અનેક મહિલાઓ દેહવ્યાપારના ગંદા ધંધામાં વર્ષોથી ફસાયેલી હતી. જાન્યુઆરી 2016માં SP તરીકે ચાર્જ સાંભળનાર સરોજકુમારીએ આ બહેનોને દંડાની ભાષામાં નહિ પરંતુ પ્રેમથી સમજાવી અને તેમના માટે ઉજ્જવલા યોજના શરૂ કરી. જે અંતર્ગત 30 જેટલી બહેનોને સમજાવટથી એ વ્યવસાય છોડાવી સિલાઈ મશીન અપાવ્યા અને તેમને સ્વનિર્ભર કરી. આજે આ બહેનો સિલાઈ મશીન દ્વારા રોજી કમાઈ પોતાના પરિવારનું ભરણ-પોષણ કરી રહી છે.

આમ એક અધિકારી તરીકેની રૂટિન કામગીરીથી અલગ સમાજમાં કંઈક નવું-નોખું કરી સમાજમાં બદલાવ લાવવાની સરોજકુમારીની નેમ રહી છે. સમાજ સુધારણા ક્ષેત્રના તેમના આ કામની ખૂબ મોટી નોંધ લેવાઈ રહી છે અને તેમની કામગીરીની પ્રશંસા પણ ખૂબ થઈ રહી છે.

બોટાદથી વડોદરા DCP ઝોન 4 તરીકે ચાર્જ સાંભળનાર સરોજકુમારી એ વડોદરામાં પણ પોતાની કામગીરીથી ખૂબ પ્રશંસા પ્રાપ્ત કરી છે.

હાલમાં જ સરોજકુમારીએ ‘વુમન આઇકોન’ એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ તેમને ‘સમજ સ્પર્શ કી’ અભિયાન માટે આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત બાળકોને યૌન ઉત્પીડન બાબતે જાગૃત કરવામાં આવે છે. ‘વુમન ઇન યુનિફ્રોમ’ શ્રેણીમાં પુરસ્કાર જીતનાર IPS સરોજકુમારીએ કર્મભૂમિ ગુજરાતની સાથે સાથે જન્મભૂમિ રાજસ્થાનનું નામ પણ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *