અભણ મહિલાએ વાર્ષિક 73 લાખ કમાઈને સાબિત કરી બતાવ્યું કે રૂપિયા-નામ કમાવવા ડિગ્રીની જરૂર નથી….

By | August 21, 2020

સામાન્ય રીતે પૈસા અને નામ કમાવા માટે ભણવું પડે છે, ડિગ્રી લેવી પડે છે જેવી લોકોમાં ગેરસમજણ હોય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાનકડા ગામ ચારડાની અભણ મહિલા કાનૂબેન પોતાની મહેનતે નામ અને પૈસા બંને કમાણા છે. થોડા વર્ષો પહેલા કાનૂબેને 10 પશુઓ લાવીને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો અને દૂધ વેચવાનું ચાલુ કર્યું હતું. તેઓ પશુઓનું દૂધ ભરાવવા માટે પોતાના ગામથી 3 કિલોમીટર દૂર ચાલીને જતા હતા. પશુપાલનના વ્યવસાયમાં કમાણી વધતા કાનુબેને ધીરે ધીરે પશુઓની સંખ્યા વધારી. હાલ તેમની પાસે નાના-મોટા થઈને 100 જેટલા પશુઓ છે. અભણ કાનુબેન હવે દૂધ દોહવા માટે ટેકનોલોજીનો સહારો લેતા થઈ ગયા છે. તેઓ રોજનું એક હજાર લીટર દૂધ ડેરીમાં ભરાવે છે. જેના થકી તેવો વાર્ષિક 73 લાખ જેટલી કમાણી છે. 

કાનુબેન અને તેમનો આખો પરિવાર પશુઓની ખૂબ જ દેખરેખ રાખે છે. ગાય ભેંસોને ગરમી ન લાગે તે માટે તેમને પોતાના તબેલામાં પંખા અને કુલિંગ ફુવારા પણ લગાવ્યા છે. તેમજ પશુઓને દોહવા માટે ઓટોમેટિક મશીનો પણ લગાવ્યા છે. પશુઓના દરેક કામમાં તેમને તેમના ઘરના સભ્યો પણ ખુબ મદદ કરે છે. કાનુબેનનો પુત્ર તેમની અભણ માતાની પ્રગતિ જોઈને ખૂબ જ ખુશ છે અને કહે છે કે, પહેલા અમારી આર્થિક સ્થિતિ ખરાબ હતી. પરંતુ મારી માતા દ્વારા પશુપાલનનો વ્યવસાય કરતા અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સુધરી છે. પશુપાલનના વ્યવસાય થકી અમે જમીનો અને અન્ય મિલકતો પણ વસાવી છે. મારી માતાએ પશુપાલન થકી અમારા પરિવારનું નામ રોશન કર્યું છે.

આ વર્ષે કાનુબેન બનાસ ડેરીના લિસ્ટમાં બીજા ક્રમાંકે છે. પરંતુ 2016-17માં તેઓ પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. તેઓને શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી એવોર્ડ પણ મળ્યો હતો. તે વર્ષે તેઓને રાજ્ય સરકાર તરફથી ગુજરાતમાં શ્રેષ્ઠ પશુપાલનમાં પણ એવોર્ડ અપાયો હતો. તો NDDB દ્વારા ઓલ ઇન્ડિયામાં મહિલા પશુપાલક તરીકે પ્રથમ નંબર આપી નવાજવામાં આવ્યા છે કાનુંબેને પોતાની ધગશ અને મહેનતના કારણે પોતાના જિલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ વિશે કાનુંબેનનું કહેવું છે કે, આ કામમાં કોઈ જ મુશ્કેલી નથી. જે મહિલાઓ પશુપાલન નથી કરતી તેમને પણ આ વ્યવસાયમાં ઝંપલાવીને પગભર થવું જોઈએ અને પોતાના ઘરમાં આર્થિક મદદ કરવી જોઈએ.પહેલા મારી પાસે 10 પશુઓ હતા. મેં ધીરે ધીરે પશુઓ વધાર્યા, હાલ મારી પાસે 100 પશુઓ છે અને હું રોજનું એક હજાર લીટર દૂધ ભરાવું છે અને વાર્ષિક 73 લાખ જેટલા રૂપિયા કમાવું છું.  

કાનુબેન રોજ સવાર સાંજ પોતાના પશુઓને દોઈને તેમનું દૂધ કેનોમાં ભરીને જાતેજ જીપ ડાલામાં બેસીને દૂધ ભરાવવા માટે પોતાના ગામમાં આવેલી દૂધ મંડળીમાં જાય છે. જોકે પહેલા તેમને દૂધ ભરાવવા માટે આજુબાજુના ગામમાં જવું પડતું હતું. પરંતુ કાનુંબેન દ્વારા પશુપાલનનો વ્યવસ્થા કરી વધારે દૂધ ઉત્પાદન કરાતા તેમના ખેતર નજીક જ બનાસડેરી દ્વારા નવી દૂધ મંડળી ખોલી આપવામાં આવી છે. જેના કારણે તે વિસ્તારમાં રહેતા 100 થી વધુ પશુપાલકોને તેનો સીધો ફાયદો થયો છે. તેઓને હવે દૂધ ભરાવવા દૂર નથી જવું પડતું. જોકે મંડળીમાં દૂધ ભરાવનાર આવતા લોકોનું કહેવું છે કે, કાનુંબેનના કારણે તેમને મોટો ફાયદો થયો છે અને કાનુબેનને જોઈને અન્ય મહિલાઓ પણ હવે પશુપાલનના વ્યવસાય તરફ વળી છે.

રૂપિયા અને નામ કમાવવા માટે મોટી ડિગ્રી અને લાયકાતની જરૂર પડે છે તેવી માન્યતાને બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં રહેતી કાનુબેન ચૌધરી જેવી અભણ મહિલાએ ખોટી સાબિત કરી છે. મહેનત અને ધગશ હોય તો વ્યક્તિ કોઈ પણ અશક્ય કામને શક્ય કરી બનાવી શકે છે. કાનુબેન ચૌધરીની મહેનતના કારણે સમગ્ર બનાસકાંઠાવાસીઓ ગર્વ અનુભવી રહ્યાં છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *