આ વખતે નવરાત્રી થવી જોઈએ કે નહીં? જાણો સુરતીઓનો શું છે મિજાજ?

By | September 7, 2020

કોરોના મહામારીના આ સંક્ટ વચ્ચે આગામી ઓક્ટોબર માસમાં નવરાત્રિના પવન પર્વને ધ્યાનમાં રાખીને અનેક તર્કવિતર્કનો દોર જોવા મળી રહ્યો છે. હજુ 16 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વ શરૂ થવાનો હોય ખેલૈયાઓમાં ઉજવણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે સામાન્ય લોકો નવરાત્રિને લઈને બે જૂથમાં વહેંચાઈ ગયા છે. એવામાં સુરતના બે અધ્યાપકો દ્વારા કરવામાં આવેલા ઓનલાઈન સર્વેમાં 21.89 નવરાત્રિ આયોજનની તરફેણ કરી જયારે 51.89 ટકા લોકોએ કોરોના મહામારીને પગલે ચાલું વર્ષ પૂરતું નવરાત્રિ આયોજનને મંજૂરી ન આપવાનો મત આપ્યો છે.

સુરતની ભગવાન મહાવીર યુનિવર્સિટીની એમબીએ કોલેજના બે અધ્યાપકો અમિત શાહ અને લલિત ટાંક દ્વારા નવરાત્રિ આયોજન અને પર્વની ઉજવણી મુદ્દે સુરતવાસીઓનો મિજાજ જાણવા માટે ઓનલાઈન સર્વે થકી રસપ્રદ અભ્યાસ કર્યો હતો.

જેમાં સુરતવાસીઓને સોશિયલ નેટવર્કિંગ સાઈટ થકી નવરાત્રિની ઉજવણી કરવા માંગો છો કે કેમ? જો હા, તો તેનું કારણ અને ના, તો તેનું કારણ, તેમજ હા-ના મુદ્દે સૂચનો જેવા પ્રશ્નો પુછાયા હતા. ઓનલાઈન સર્વેમાં શાળા, કોલેજ, જાહેર જીવન, કોર્પોરેટ સંસ્થા, સહકારી સરકારી સંસ્થા સહિત વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા 482 લોકોએ ભાગ લીધો હતો અને તેઓએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.

અધ્યાપક અમિત શાહના જણાવ્યા મુજબ, નવરાત્રિ આયોજન અંગેના ઓનલાઈન સર્વે અને ડેટા એનાલિસિસ માટે દિવસ લાગ્યા હતા. દરમિયાન 482માંથી 26.5 ટકા લોકો નવરાત્રિ આયોજન અંગે અસ્પષ્ટ હોવાનું બહાર આવ્યું હતું. તેમને જાહેર કાર્યક્રમોની જગ્યાએ ઘરમાં જ પરિવારજનો સાથે ઉજવણી કરવાનો મત આપ્યો હતો. જ્યારે 51.89 ટકા લોકોએ કોરોના સંક્રમણના ડર અને સાવચેતીને જોતા ચાલું વર્ષે પૂરતું ઉજવણી ન કરવાનો અભિપ્રાય આપ્યો હતો. તે સાથે જ સરકારી તંત્ર દ્વારા ચાલું વર્ષે નવરાત્રિ આયોજનને મંજૂરી ન અપાઈ એવું પણ જણાવ્યું હતું. વળી, 21.89 લોકો ઉત્સુક જણાયા હતા અને તેઓએ સાવચેતી તકેદારી સાથે જ નવરાત્રિ પર્વની ઉજવણીને મંજૂરી આપવાની તરફેણ કરી હતી.

નવરાત્રિ પર્વની ઉજવણી અંગે સુરતવાસીઓનાં સૂચનો

– સોશિયલ ડિસ્ટન્સિંગની શરતે ઉજવણી આયોજનને મંજૂરી આપવી. શક્ય હોય તો નિર્ધારિત મર્યાદિત સંખ્યામાં હાજરીનું ફરમાન કરી શકાય.

– ચાલુ વર્ષે કોરોના સંક્રમણને જોતા નવરાત્રિ આયોજનમાં નાસ્તો કે ગેટ ટૂ ગેધર સહિતના કોઈ કાર્યક્રમો ન રાખવા, તે માટે ખાસ તકેદારી રાખવી.

– વર્ચ્યુઅલ નવરાત્રિનો નુસખો પણ અજમાવી શકાય, ખેલૈયાઓ સિવાય અન્ય લોકો પણ વીડિયો કોલિંગ મારફતે જોડાઈ શકે એવી વ્યવસ્થા કરવી.

– કોરોના કાળમાં જો નવરાત્રિ ઉજવણી થાય તો સંગીત અને ગરબાને કારણે લોકોને તણાવમુક્ત વાતાવરણ મળી રહેશે. હકારાત્મક અભિગમ કેળવાશે.

– આ વર્ષે નવરાત્રિ ઉજવણી દરમિયાન 20થી 30 મિનિટ માટે યોગનો કાર્યક્રમ પણ રાખી શકાય. જેને કારણે લોકોમાં યોગ પ્રત્યે અવેરનેસ આવે..

– નવરાત્રિ ઉજવણી દરમિયાન ઉકાળો તથા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે એવા ખોરાક, ખાદ્યસામગ્રીને નાસ્તામાં પ્રાથમિકતા આપવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *