ન્યાયપાલિકા વિરુદ્ધ ટ્વિટ કરવા માટે દોષિત ઠરેલા વકીલ પ્રશાંત ભૂષણ વિરુદ્ધ કોર્ટના અનાદર કેસમાં સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને એક રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અને જો તેઓ દંડ ન ભરે તો 3 મહિનાની જેલની સજા થશે તથા 3 વર્ષ સુધી વકીલાતની પ્રેક્ટિસ કરી શકશે નહીં. 25 ઓગસ્ટના રોજ જસ્ટિસ અરુણ મિશ્રા, બી આર ગવઈ અને કૃષ્ણ મુરારીએ પ્રશાંત ભૂષણ દ્વારા કરાયેલી ટ્વિટ્સ અંગે તેમણે માફી માંગવાની ના પાડી દેતા તેમના પર સજાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
25મી ઑગસ્ટના રોજ સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માફી માંગવામાં ખોટું શું છે, શું આ શબ્દ એટલા ખરાબ છે. આપને જણાવી દઇએ કે ભૂષણે માફી ના માંગવાની જિદ્દ પકડી હતી. પ્રશાંત ભૂષણે પોતાનો જવાબ દાખલ કરતાં કહ્યું હતું કે તેઓ પોતાની ટ્વીટ માટે માફી માંગશે નહીં અને પોતાના ટ્વિટ પર અડગ છે. પ્રશાંત ભૂષણે ટ્વીટ કરી હતી. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને પોતાના નિવેદન પર ફરી વિચાર કરતાં માફી માંગવાનું કહ્યું હતું. સુનવણીમાં અટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કોર્ટને ભૂષણને ભવિષ્ય માટે ચેતવણી આપી છોડવાની ભલામણ કરી હતી. બીજીબાજુ ભૂષણનો પક્ષ મૂકતા રાજીવ ધવને પોતાના મુવક્કિતલનો બચાવ કરતાં કહ્યું કે તેમણે કોઇ મર્ડર કે ચોરી કરી નથી કે આ દ્રષ્ટિથી તેમને શહીદ બનાવામાં ના આવે.
તમને જણાવી દઈએ કે વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રિમ કોર્ટના 4 પૂર્વ સીજેઆઈ પર ટીકા કરતું ટ્વીટ કર્યું હતું. જેને કંટેમ્પટ ઓફ કોર્ટ માનવામાં આવ્યું છે. આ પગલું કોર્ટે સ્વયંભૂ (સુઓ મોટો) લીધું હતું. કોર્ટના તિરસ્કારની કાર્યવાહી બે પ્રકારની હોય છે- સિવિલ અને ક્રીમીનલ. પ્રશાંત ભૂષણ સામે ક્રીમીનલ તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રશાંત ભૂષણે એક કરતાં વધુ ટ્વીટ્સ કરીને સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાની ઠેકડી ઊડાડી હોય એવી છાપ પડતી હતી. વારંવાર આવી ટ્વીટ થયા પછી સુપ્રીમ કોર્ટે કોર્ટના તિરસ્કારનું શસ્ત્ર ઉગામ્યું હતું.
કોણ છે પ્રશાંત ભૂષણ?
પ્રશાંત ભૂષણ પોતે પણ એક સિનિયર ધારાશાસ્ત્રી છે. તેઓ સુપ્રીમ કોર્ટના પ્રતિષ્ઠિત વકીલ છે. કોંગ્રેસ સરકારમાં તેમણે અનેક કૌભાંડો ઉજાગર કર્યા હતા. તેઓ મોદી સરકારની પણ ટીકા કરતા હોય છે. પ્રશાંત પોતે આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલા હતા. પાછળથી અરવિંદ કેજરીવાલ સાથે મતભેદના કારણે તેઓએ પાર્ટીથી છેડો ફાડ્યો હતો.