સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ભાઠેના ખાતે કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓ માટેનો ખોરાક કચરા સાથે એક જ ગાડીમાં આવતો હોવાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થતાં તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.
સુરત મ્યુનિ.ના આંજણા કોવિડ કેર સેન્ટરમાં ૮૦થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે છે. આ દર્દીઓની સ્થિતિ સામાન્ય હોવાથી જલ્દી સારા થાય તે માટે સારવારની સાથે પોષણયુક્ત આહાર મળે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
જોકે, આજે સોશ્યલ મિડિયા પર એક વિડિયો વાઈરલ થયો છે જેમાં કચરા ભરેલી ટ્રકમાં કોવિડ કેર સેન્ટરના દર્દીઓ માટે ટીફીનના મોટા ડબ્બા મુકવામાં આવ્યા છે. આ વિડિયો વાયરલ થવાના કારણે મ્યુનિ.ની કામગીરી સામે કેટલાક પ્રશ્નો ઉભા થયાં છે. ભાઠેના આઈસોલેશન વોર્ડની આસપાસ રહેતાં લોકો આ અંગેની ફરિયાદ કરતાં હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ફરિયાદ બાદ પણ તંત્રને કોઈ ફેર ન પડતાં સ્થાનિક લોકોમાંથી એક જાગૃત નાગરિકે વિડિયો બનાવીને સોશ્યલ મિડિયા પર વાઈરલ કર્યો છે.
આવા પ્રકારના કચરા સાથેના ભોજનના કારણે કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાના બદલે અન્ય રોગોના પણ ભોગ બને તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે. આ વિડિયો મામલે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધતા આ ઘટનાને ભાજપ શાસકોની નિષ્ફળતાં ગણાવી છે. તેમજ સડેલા કચરા સાથે કોરોનાના દર્દીઓને ભોજન આપવામાં આવી રહ્યું હોવાના આ વિડિયોની ચકાસણી કરીને જવબદારો સામે પગલાં ભરવાની માગણી કરવામાં આવી છે.
દર્દીઓ માટેનું ભોજન કોવિડ કેર સેન્ટરમાં જ બનતું હોવાનો SMC નો ખુલાશો
વિડિયો વાઈરલ થતાં સુરત મ્યુનિ.ના પી.આર.ઓ. વિભાગ દ્વારા એક ખુલાસો જાહેર કરવામાં આવ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ભાઠેના વિસ્તારનો જે વિડિયો વાઈરલ થયો છે, તે કચરા ગાડી નથી પણ ટ્રક છે. ભાઠેના કુમાર છાત્રાલયમાં કોવિડ કેર બનાવવામાં આવ્યું છે, તે દર્દીઓ માટે ત્યાં જ રસોડુ બનાવવામાં આવ્યું છે અને ભોજન બહારથી લાવવામાં આવતુ નથી.