કોરોનાના વધતાં જતાં સંક્રમણથી સુરતીઓ લડી રહ્યા છે અને જીવ પણ ગુમાવી રહ્યાં છે. સુરતમાં ચાર-ચાર સ્મશાનોમાં હોવા છતાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની લાશોના નિકાલ માટે હવે જગ્યા ઘટી રહી છે, અને લાશોને દાટવા માટે જમીનો ખોદાઈ રહી હોવાના નજરે પડતાં દ્શ્યો હચમચાવી નાંખનારા છે. આ સ્થિતિમાં નથી તો તંત્ર અને વ્યકિતગત પ્રયાસો નાકામ સાબિત થઇ રહ્યા છે. દિવસે દિવસે સ્થિતિ બગડતી હોવાથી સુરત સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે.
ગુરુવારે શહેરના અનેક વિસ્તારોમાં દુકાનો બંધ રહી કે બપોર પછી લોકોએ દુકાનો ખોલવાનું ટાળ્યું હતું. મોડી સાંજના રસ્તા પર બિહામણો સન્નાટો અને હોસ્પિટલમાં આવી રહેલા દર્દીઓના ધાડાંથી સામાન્ય નાગરિકો ભયભીત છે. સ્મીમેરમાં દર્દીઓનો એટલો ધસારો છે કે જુના દર્દીઓને રજા આપીને નવા દર્દી માટે જગ્યા કરવી પડે છે, સાથે સાથે રોજ કોરોનાના કારણે મૃત્યુને ભેટતા દર્દીઓ માટે શહેરના ચાર સ્મશાનગૃહો જેમકે કુરુક્ષેત્ર, અશ્વિનીકુમાર, રામનાથ ઘેલા અને રાંદેર ક્બ્રસ્તાનમાં હવે મૃતદેહોને દફવવાનું કે અગ્નિદાહ આપવાનું અઘરું બની રહ્યું છે. આ સ્થિતિમાં હવે મૃતદેહોને દફવનાવવા માટે રોજ નવી જગ્યાઓ પર ખોદકામ કરીને બનાવવામાં આવી રહેલી કબરો જોઈને થીજી જવાય તેવી સ્થિતિ પ્રર્વતે છે.
સત્તાવાર રીતે શહેરમાં કુલ પોઝિટીવ કેસોનો આંકડો 9,487 પર પહોંચ્યો છે પરંતુ શહેરના સિટી વિસ્તારમાંથી જ રોજના 1500થી વધુ કેસ આવી રહ્યાં હોવાનું સંપર્ક સૂત્રોમાંથી જાણવા મળે છે. તો ગુરુવારે મોડી રાત સુધીમાં કુલ 14 દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું સત્તાવાર રીતે જાણવા મળે છે પરંતુ મૃત્યુ અને કેસ બંને વધારે હોવાનું કહેવાય છે. આ સ્થિતિમાં પહેલાં શહેરના હીરાબજાર, પછી માર્કેટ વિસ્તાર અને હવે સામાન્ય દુકાનદારોએ પણ સ્વૈચ્છિક લોકડાઉનને એક માત્ર ઉપાય તરીકે જોઈને પોતાના ધંધા-રોજગાર બંધ કરી રહ્યાં છે. ઘણાં દિવસોથી સુરતમાં લોકડાઉન માટેની માંગ ઉઠી રહી છે. શહેરીજનો પણ કોરોનાના સંક્રમણથી બચવા સરકાર અને તંત્ર પાસે સત્તાવાર લોકડાઉનની માંગણી કરી રહ્યાં છે પરંતુ હવે સત્તાધીશો લોકડાઉનની જવાબદારી લેવા તૈયાર નથી અને તેના કારણે સંક્રમણ વધી રહ્યું છે અને હાર્ડ ઈમ્યુનિટી ડેવલપ થવાની દિશામાં શહેર આગળ વધવાના બદલે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યું છે.