પુત્ર અને LRD મહિલાના વિવાદ મામલે કુમાર કાનાણીએ પોતાના જ પક્ષના નેતાઓ પર સાધ્યું નિશાન

By | July 15, 2020

રાજયકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ પોતાના પુત્રના વિવાદ મામલે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં કુમાર કાનાણીએ પોતાના જ પક્ષના નેતાઓ પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે કેટલાક તત્વો મને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યાં છે. આવા તત્વો પાર્ટીને બદનામ કરી રહ્યા છે. મને બદનામ કરનારા તત્વો ઉઘાડા પડ્યા છે.

લોકો શોર્ટકટથી જ આગળ વધવા માગે છે

અગાઉ પણ આ મામલે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મારી વિરુદ્ધ ખોટી રીતે ષડયંત્ર કરાઈ રહ્યું છે. મને ખતમ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આગામી સુરતની કોર્પોરેશનની ચૂંટણીમાં લોકો શોર્ટકટથી જ આગળ વધવા માગે છે. કુમાર કાનાણીને બદનામ કરો તો જ રસ્તો સાફ થાય તેવું બધા જાણે છે. જેથી મારી વિરુદ્ધ ખોટી રીતે ષડયંત્ર કરાઈ રહ્યું છે.

શું છે સમગ્ર મામલો?

સુરતમાં કુમાર કાનાણીના પુત્ર અને LRD મહિલા વચ્ચે બબાલની ઘટના સામે આવી હતી. પ્રકાશ કાનાણી અને LRD મહિલા સાથે બોલાચાલીનો ઓડિયો અને વીડિયો વાયરલ થયો હતો. સુરતના વરાછામાં કુમાર કાનાણીના દીકરાના મિત્રો રાત્રે ફરવા નિકળ્યા હતા. જેમને રોકવામાં આવતા બબાલ થઇ હતી. LRD મહિલાએ તેના મિત્રોને અટકાવતા પ્રકાશ કાનાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જોકે પ્રકાશ કાનાણીએ શાંતિ જાળવવા અપીલ કરી હતી. ત્યારબાદ આ મામલો ગરમાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી વાત પહોંચી હતી. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં મંત્રી કુમારના દીકરા પ્રકાશ કાનાણી વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાઇ હતી. જોકે બાદમાં તેમને જામીન પર છૂટકારો મળ્યો હતો. ત્યારે હવે આ મામલે કુમાર કાનાણીએ ફરી એકવખત નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *