સરકારી ગાઇડ લાઇનની જડતાએ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનના જમાદાર નો ભોગ લીધો

By | June 15, 2020

કોરોનાની લપેટમાં સપડાયેલા મહિધરપુરા પોલીસ મથકના જમાદાર નું રવિવારે સવારે સિવિલમાં મોત નીપજ્યું હતું. તેમના મૃત્યુની સાથેના સંજોગો જોતા સરકારી ગાડ લાઈનની જડતાએ જમાદાર નો ભોગ લીધો હોવાનું જણાય આવે છે. દક્ષિણ ગુજરાતમાં કોરોના ને કારણે સૌપ્રથમ પોલીસકર્મીનું મોત થતાં પોલીસ બેડામાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. મૃતક જમાદારને સિવિલ કેમ્પસમાં જ ગાર્ડ ઓફ ઓનૅર અપાયું હતું.

મહિધરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા મગનભાઈ રણછોડભાઈ બારીયા કોરોનાનો શિકાર બન્યા હતા. મગનભાઈ ને પોતાની તબિયત ખરાબ લાગતાં સિવિલ જઇ ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે તેમને પોઝિટિવ રિપોર્ટ આવતા સિવિલમાં દાખલ કરી સારવાર શરૂ કરાઇ હતી. મગનભાઈ ભાગળ ચાર રસ્તા ખાતે ફરજ બજાવી રહ્યા હતા.

કોરોનાના ચેપગ્રસ્ત હોમગાર્ડના સંપર્કમાં આવતા તેઓ પણ સંક્રમિત થયા હતા. સિવિલમાં 10 દિવસ ચાલેલી સારવાર બાદ તેમને રજા આપી દેવાઈ હતી. જોકે, કોરોના ના દર્દી ને રજા આપતા પહેલા કરાતો બીજો ટેસ્ટ તેમનો કરાયો ન હતો. નવી ગાઇડલાઇન ને અનુસરીને ટેસ્ટ કરાવ્યા વગર જ મગનભાઈ ને રજા અપાઇ હોવાનું તબીબી અધિકારીઓનું કહેવું છે.

રજા લઈને ઘરે પહોંચેલા મગનભાઈ ની બીજા દિવસે અચાનક તબિયત બગડતાં 11 જૂન ના રોજ તેમને ફરી સિવિલમાં દાખલ કર્યા હતા. તેમને ડાયાબિટીસ વધી જવા સાથે શ્વાસ લેવામાં અસહ્ય તકલીફ થઈ રહી હતી. તેથી એમને સિવિલમાં દાખલ કરી કોરોના ની શંકા સાથે રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવતા સૌ કોઈ ચોંકી ઊઠયા હતા. તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા ના ગણતરીની કલાકમાં જ મોત નીપજ્યું હતું.

તબીબી અધિકારીઓ ના કહેવા મુજબ એ કેસમાં નવી ગાઇડલાઇન મુજબ બીજો રિપોર્ટ કરાવ્યા વગર રજા અપાય છે. મગન ભાઈ ને પણ 10 દિવસની સારવાર દરમિયાન કોઇ લક્ષણો નહીં દેખાતા રિપોર્ટ વગર રજા અપાઇ હતી. ત્યારે 2 જ દિવસમાં તેમની અચાનક કેવી રીતે તબિયત બગડી ગઇ એ પ્રશ્ન છે. તેમના બન્ને ફેફસામાં ન્યુમોનિયાની અસર હોવાનું જાણવા મળે છે. જો તેમનો બીજી વખત રિપોર્ટ કરાવ્યો હોત તો કદાચ પરિણામ કંઈક જુદુ રહ્યું હોત તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *