ભાજપની રેલીમાં નહીં પણ શિક્ષિત બેરોજગારો નોકરી માંગવા આવે તો કોરોના ફેલાય!

By | September 6, 2020

કોરોના મહામારીના કપરા કાળમાં સોશ્યલ ડીસ્ટેન્સીંગ અને માસ્કના જાહેરનામાંનો સરકારે મજાક બનાવી દીધો છે, એટલું જ નહીં ભાજપના કાર્યકરો રેલીઓ યોજે તો કોરોના ના ફેલાય પરંતુ રાજયમાંથી ગાંધીનગર આવી શિક્ષિત બેરોજગાર યુવાનો સરકારી નોકરી માટે આવેદનપત્ર આપવા પહોંચે તો કોરોના ફેલાય આવું ગણિત હાલ સરકારનું છે. ગાંધીનગરમાં નોકરી માટે આવદેનપત્ર આપવા માટે આવેલા ૬૧ જેટલા યુવાનો સામે સે-ર૧ પોલીસ સ્ટેશનમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટેન્સીંગ ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહયું છે જે રાજય સરકારના આંકડાઓ બતાવી રહયા છે ત્યારે આ સંક્રમણને અટકાવવા માટે જાહેરનામું પ્રસિધ્ધ થયું છે જેમાં લોકો એકઠા નહીં થઈ શકે અને સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન કરવાનું રહેશે તેમાં ફરજિયાત માસ્ક પણ પહેરવું પડશે. સરકારના આ જાહેરનામાં અંતર્ગત પોલીસ અને વિવિધ તંત્રોએ સામાન્ય નાગરિકો પાસે કરોડો રૂપિયાનો માસ્ક નહીં પહેરવાનો દંડ વસુલી સરકારની તિજોરી ભરી આપી છે. આ કાયદો ફકત સામાન્ય નાગરિકો પુરતો જ મર્યાદિત રખાયો હોય તેમ લાગી રહયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સુરત, સૌરાષ્ટ્ર બાદ હવે હજારો કાર્યકર્તાઓ સાથે ઉત્તર ગુજરાતને ખુંદી રહયા છે.

અંબાજીથી ગાંધીનગર સુધી રેલીઓ અને હોલમાં સભાઓ યોજાઈ રહી છે ત્યાં કોઈ જ પ્રકારનું સોશ્યલ ડીસ્ટેન્સીંગનું પાલન થતું નથી પણ તેમની સામે કોઈ કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી. ત્યારે ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગારો યુવાનો સરકારને જગાડી સરકારી ભરતી શરૂ કરવા માટે આવેદનપત્ર આપવા આવે તો સોશ્યલ ડીસ્ટેન્સીંગનો ભંગ થાય છે અને તેનાથી જાણે કે કોરોનાનું સંક્રમણ વધી જતું હોય તેમ તેમની સામે એપેડેમીક એકટ હેઠળ ગુના નોંધાઈ રહયા છે.

સે-ર૧ પોલીસે સે-૧પ યુથ હોસ્ટેલ પાસે ભેગા થયેલા શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો કે સમગ્ર ગુજરાતમાંથી આવ્યા હતા તેવા ૬૧ જેટલા યુવાનો સામે એપેડેમીક એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ યુવાનો પણ સરકારની આ બેવડી નીતિ સામે રોષ પ્રગટ કરી રહયા છે. કોરોના કાળમાં લોકોની આર્થિક સ્થિતિ પડી ભાંગી છે ત્યારે પરિવારોએ ભારે જહેમત ઉઠાવી ભણાવી-ગણાવીને મોટા કરેલા યુવાનોને નોકરી આપવાના બદલે સરકાર ગુનેગાર બનાવી રહી હોય તેવો ઘાટ રાજયના પાટનગરમાં જોવા મળી રહયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *