શું તમે પણ વ્યાજખોરોના ત્રાસથી પરેશાન છો? તો આ લેખ જરૂર વાંચો

By | August 16, 2020

નોટબંધી/લોકડાઉન બાદ ગુજરાતના ગામડાઓ/શહેરોમાં સૌથી વધુ કોઈ ક્રાઈમ થતું હોય તો તે વ્યાજખોરીનું છે અને સૌથી ઓછું નોંધાતું ક્રાઈમ પણ વ્યાજખોરીનું છે ! 15 જૂન, 2020 ના રોજ ‘સંદેશ’ અખબારમાં સમાચાર છે કે લોકડાઉન દરમિયાન આર્થિક સંકડામણના કારણે પાંચ લોકોએ આત્મહત્યા કરી છે. સિહોર પાસેના ગુંદાળા ગામના યોગેશભાઈ ત્રણ મહિનાથી ઘરભાડું ભરી શકતા ન હતા તેથી ગળાફાંસાથી તેમણે જીવ ખોયો. વલ્લભીપુર પાસેના પાટણા ગામના જયેશભાઈએ વ્યાજે લીધેલ નાણા પરત કરી શક્યા નહી તે કારણે 13 જૂનના રોજ ગળાફાંસો ખાધો. તળાજાના ઈસોરા ગામના ભૂપતભાઈએ, ડુંગળીના પાકનું યોગ્ય વળતર ન મળતાં 14 મે ના રોજ અંતિમ પગલું ભર્યું. ભાવનગર શહેરના કૈલાસનગરમાં રહેતા શૈલેષભાઈ લોકડાઉનમાં બેરોજગાર બનતાં 10 જૂનના રોજ ગળેફાંસો ખાધો હતો. અંતિમ પગલું ભરનારા આ બધા પરિવારો ઉપર આભ તૂટી પડ્યું ! આત્મહત્યા પાછળ ડીપ્રેશન/જિદ્દ/આબરુ વગેરે પરિબળો જવાબદાર હોય છે. આત્મહત્યા કરનાર લાગણીવશ બને છે; લોજિકથી વિચારતા નથી કે હું જઈશ તો પરિવારનું શું થશે? આત્મહત્યા નિવારવા આ સૂત્રનો અમલ કરવો પડે : ચીંથરેહાલ ભલે થઈ જઈએ, પણ જીવવાનું એટલે જીવવાનું ! [કર્ટસી-ભૂપેન્દ્રસિંહ રાઓલ] બોટાદમાં હિરાનો ધંધો કરતા સુનિલભાઈએ બે વર્ષ પહેલા વ્યાજખોર પાસેથી 10% દરે 20,000 લીધા હતા; લોકડાઉનના કારણે વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોરે 13 જૂનના રોજ સુનિલભાઈને માર મર્યો હતો. સુનિલભાઈની જેમ વ્યાજે નાણા લેનાર તમામ લોકો; વ્યાજખોરોનો માર/ગાળો/ત્રાસ સહન કરે છે, પોલીસ વ્યજખોરોને અટકાવી શકતી નથી, વિક્ટિમને સુરક્ષા આપી શકતી નથી. 

2019 માં, વડોદરા પોલીસ કમિશ્નરે વ્યાજખોરીથી ત્રાસેલાં લોકો માટે લોકસંમેલનનું આયોજન કર્યું તો લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતાં ! મતલબ કે વ્યાજખોરોનો ત્રાસ આતંકવાદી જેવો જ હોય છે ! માર્ચ 2009 માં, અમદાવાદ પ્રીતમનગરમાં અવનિશ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પોતાની માતા/પત્ની/પુત્રની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી હતી ! 11 વર્ષ પછી માર્ચ 2020 માં સેશન્સ કોર્ટ ચૂકાદો આપે છે. આ કેસમાં અવનિશે આત્મહત્યા કરતા પૂર્વે ચિઠ્ઠી લખી હતી અને તેમાં વ્યાજ-આતંકીઓના નામ લખ્યા હતા. આરોપીઓએ આગોતરા જામીન અરજી હાઈકોર્ટ સમક્ષ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે અવનિશે ‘સ્યુસાઈડ નોટ’ લખી હતી તે તપાસના કાગળોમાંથી ગૂમ થઈ ગઈ હતી ! કાનૂનના હાથ લાંબા હોય છે પણ ગુનેગારોના હાથ તો એના કરતા પણ લાંબા હોય છે ! 

આટલી કાળજી લ્યો 

8 લાખની ઉઘરાણીમાં વ્યાજખોરો 50 લાખનું મકાન પડાવી લે ! 5 થી 10 ગણા ઊંચા વ્યાજની વસૂલાત તદ્દન ગેરકાયદેસર છે. આટલું ઊંચું વ્યાજ મુકેશ અંબાણીને પણ પોસાય નહીં; તો તમને કઈ રીતે પોસાય? આટલી કાળજી લ્યો :

[1] સામાજિક મોભો દેખાડવા ખોટા ખર્ચાઓ ટાળો; ઊછીના/વ્યાજે નાણા લઈને સંતાનોના ભવ્ય લગ્ન સમારંભો ટાળો. દેખાદેખીનો વાયરસ કોરોના વાયરસ કરતાં ખતરનાક છે, તેનાથી બચો !

[2] સહકારી મંડળીઓ/સહકારી બેન્કો પાસેથી જરુર પૂરતાં જ નાણા વ્યાજે લો.

[3] વ્યાજનો ધંધો કરનારા માથાભારે ઈસમો હોય તો એમની પાસેથી પૈસા વ્યાજે લેવાનું ટાળો; કેમકે તમારી જમીન/પ્લોટ/મકાન ઉપર તેમની નઝર હોય છે; એટલે તમને મદદ કરવા તમને વ્યાજે પૈસા આપશે!

[4] આર્થિક મંદીમાં મોટા મોટા અબજોપતિઓ પણ બેન્કના નાણા પરત કરી શકતા નથી. આર્થિક મંદીના સમયે સાવચેત રહો; નાણા ઊંચા વ્યાજે લઈને સાહસ ન કરો.

[5] વ્યાજ આપણા નખ/વાળની જેમ વધે છે; જે આપણે જોઈ શકતા નથી; એટલે તેની ગંભીરતાનો ખ્યાલ આપણને આવતો નથી !

[6] વ્યાજખોરો બેન્ક રેઈટ કરતા વધુ વ્યાજ વસૂલી શકે નહીં. વ્યાજનો ધંધો કરનારાઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બિન નોંધાયેલ વ્યાજનો ધંધો કરનારાઓ ગેરકાયદેસર પ્રવૃતિ કરે છે; તેઓ GST/ઈન્કમટેક્સ છૂપાવે છે; બ્લેકમનીનો વહિવટ કરે છે; તે ગુનેગાર છે; તેમની સાથે વ્યવહાર ટાળો.

[7] વ્યાજખોરો તમને ચેકથી નાણા આપતા નથી, રોકડા આપે છે. તેથી આ નાણાંની ઉઘરાણી માટે તે કોર્ટનો આશરો લઈ શકતા નથી. એટલા માટે જોર-જુલમ કરે છે.

[8] વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસમાં FIR નોંધાવી શકાય છે; પોલીસ ફરિયાદ ન લે તો SP/પોલીસ કમિશ્નરને રુબરુ મળો અને લેખિત રજૂઆત કરો.

[9] જો પોલીસ વ્યાજખોર સામે FIR ન નોંધે તો ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી, ગાંધીનગરને ફરિયાદ કરો. જો કે PCA-પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટી’ નખ વગરનો કાગળનો વાઘ છે; છતાં ફરિયાદ કરવી, જેથી હાઈકોર્ટમાં જવાનું ગ્રાઉન્ડ બને. જો કે હાઈકોર્ટમાંથી ન્યાય મેળવવો અતિ ખર્ચાળ હોય છે !

[10] NGO ની મદદ લ્યો. સમાજના સારા લોકોની મદદ લ્યો. 

~ રમેશ સવાણી (નિવૃત IPS)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *