પોલીસ ખોટી રીતે ફિટ કરે તો શું કરશો? જાણો અહીંયા

By | August 30, 2020

~ રમેશ સવાણી

ગુજરાતમાં હાલ ફેસબુક પર “અપના અડ્ડા” નામનું ગ્રુપ ખુબ જ ચર્ચામાં છે. ચર્ચાનું કારણ ગ્રુપના એક મેમ્બર કે જેઓ ગુજરાત કેડરના તાજેતરમાં જ નિવૃત થયેલા IPS રમેશ સવાણી છે. પૂર્વ IPS રમેશ સવાણી તાજેતરમાં જ પોલીસ સર્વિસમાંથી નિવૃત થયા છે. નિવૃત્તિ બાદ તેઓ ફેસબુક પોસ્ટ દ્વારા પોલીસ વિશે અવનવા ખુલાસાઓ કરતા રહયા છે.પોલીસ ખાતામાં ચાલતો ભ્રષ્ટાચાર હોય કે અન્ય ગેરકાયદેસર કામ દરેક મુદ્દે તેઓ ખુલ્લેઆમ લખી રહયા છે. તેમણે ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ લખી છે કે પોલીસ ખોટી રીતે ફિટ કરે તો શું થઈ શકે ?

નિવૃત IPS રમેશ સવાણીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, પોલીસને કોઈના પર પાક્કો શક હોય ત્યારે તેને એરેસ્ટ કરવાની સત્તા છે. ગુનાઓને પ્રિવેન્ટ કરવા/કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કોઈ પણને એરેસ્ટ કરી શકે છે. આ સત્તાનો ભોગ મોટા ભાગે વંચિતો/ગરીબો બને છે. અટકાયતી પગલાંના આંકડા દેખાડવા ગરીબોને/બિનવારસીઓને પોલીસ પકડે છે. ગુજરાત પોલીસ એક્ટ કલમ-122C હેઠળ પોલીસ ગમે તેને લોકઅપમાં પૂરી શકે છે. કોમ્બિંગ નાઈટમાં, ચોરી કરવાના ઈરાદે રખડતા-ભટકતા ‘ઇસમો’ જથ્થાબંધ મળી આવે છે !

2 માર્ચ,1990 ના રોજ હું પોલીસમાં જોડાયો, તે પહેલા અમદાવાદ સિટીમાં સિનેમાનો છેલ્લો શો રાત્રિના 12:30 ની આસપાસ છૂટતો ત્યારે પોલીસ ખટારી લઈને થર્ડ કલાસના એક્ઝિટ ગેટ ઉપર પહોંચી જતી. દર્શક બહાર નીકળતા જાય તેમ તેને ખટારીમાં બેસાડતા જાય! બીજે દિવસે છોડાવવાની વ્યવસ્થા પણ પોલીસ કરે. આમ ‘ચોરી કરવાને ઈરાદે રખડતા-ભટકતા ઈસમો’નો મોટો આંકડો પોલીસ ઇન્સ્પેક્ટર દેખાડતા! આજે પણ 122C હેઠળ ગરીબ/વંચિત ઉપર ખોટી કાર્યવાહી થાય છે. CrPC કલમ-151 હેઠળ પોલીસ ‘કોગ્નિઝેબલ ગુનો’ અટકાવવા કોઈને એરેસ્ટ કરી જામીન લેવડાવી શકે છે.

151 હેઠળ કાર્યવાહી દરમિયાન લોકઅપનો ડર બતાવીને મધ્યમવર્ગના લોકો પાસેથી પોલીસ પૈસા પડાવે છે. સત્તાને સન્માન, સત્તાહીનને પાટું; એવા પોલીસના વર્તનનો લોકોને અનુભવ થાય છે. પોલીસનું વર્તન બિનસંવેદનશીલ હોય છે. 1977 માં રચાયેલ ‘નેશનલ પોલીસ કમિશને’ પ્રથમ રિપોર્ટમાં પોલીસ સામે ફરિયાદ કરવા અને ત્રીજા રિપોર્ટમાં સમાજના નબળા વર્ગો તરફ પોલીસની વર્તણૂક સુધારવા તથા નિવારી શકાય તેવી અટકાયત અંગે ભલામણ કરી હતી.

કોમ્યુનલ રાયોટ પ્રિવેન્ટ કરતી વેળાએ અનેક નિર્દોષ લોકો પોલીસની ઝપટે ચડી જાય છે. જ્યારે બે જૂથ વચ્ચે બખેડો/રાયોટિંગ થાય ત્યારે બન્ને બાજુના 10-15 લોકોને એરેસ્ટ કરવાથી તોફાનીઓમાં ડર બેસે છે અને તોફાનની આગેવાની કરનારાઓ પકડેલ ઇસમોને છોડાવવા લાગી જાય છે; પરિણામે તોફાન શાંત થઈ જાય છે. અટકાયતી પગલાંના કિસ્સામાં અને રાયોટિંગના કિસ્સામાં પકડાતા નિર્દોષ લોકો સમસમી જાય છે; પરંતુ તે લાચાર હોવાના કારણે કંઈ કરી શકતા નથી.

પોલીસની ખોટી કાર્યવાહીને કોર્ટમાં પડકારવાનું મોંઘું પડે છે. હવે દરેકના હાથમાં કેમેરાવાળા મોબાઈલ ફોન આવતા પોલીસની ખોટી કાર્યવાહી સોશિયલ મીડિયામાં અનેક લોકો જોઈ શકે છે! પોલીસ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જાય છે. 25 ઓગષ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારોની વિશાળ સભાના અંતે

આંદોલનકારીઓની અટકાયત બાદ હિંસા ભડકી ઉઠી હતી.
હિંસાને ડામવા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો; પરંતુ આ સમયે પોલીસે અનેક સોસાયટીમાં ઘૂસીને પાર્ક કરેલ ગાડીના કાચ તોડી નાંખ્યા હતા; તેના વીડિયો ન્યૂઝ ચેનલોએ દેખાડ્યા હતા. તેમાં તોડફોડ કરનાર પોલીસને વિસ્તાર મુજબ ઓળખી શકાય તેમ હતા; છતાં એક પણ પોલીસને ‘ઠપકા’ની શિક્ષા પણ કરવામાં આવી નહીં ! એક બાજુ, નિર્દોષ નાગરિકોને પોલીસ ફિટ કરે તો ભોગ બનનાર કંઈ કરી શકતા નથી; બીજી તરફ પોલીસ ખુદ તોડફોડ કરે તો તેને પૂછનાર કોઈ નથી, તેની ઉપર એક્શન લેનાર કોઈ નથી.

આવા કિસ્સામાં શું થઈ શકે?

[1] ખોટી અટકાયતમાં વ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ જાય છે. પોલીસ ફરી આવું પગલું ન ભરે તે માટે પ્રથમ તો ભોગ બનનારે અવાજ ઊઠાવવો પડે. NGO ની મદદ લઈને વિરોધ કરવો પડે. [2] સામૂહિક ધોરણે દેખાવ/આવેદન પત્ર આપીને તંત્રની સંવેદનશીલતાને ઢંઢોળવી પડે. [3] SP/પોલીસ કમિશ્નર સમક્ષ આધાર-પુરાવા સાથે લેખિત રજૂઆત કરવી પડે. [4] મારઝૂડના કિસ્સામાં કોર્ટમાં ફરિયાદ નોંધાવી શકાય. [5] નુકશાનીના કિસ્સામાં કોર્ટમાં દાવો કરી શકાય. [6] હ્યુમન રાઈટ કમિશન સમક્ષ આધાર-પુરાવા સાથે લેખિત રજૂઆત કરી શકાય. [7] પોલીસની સત્તાનો દુરુપયોગ નાગરિકોની જાગૃતિ દ્વારા જ અટકાવી શકાય. લોકો જાગૃત હશે તો પોલીસ ઓથોરિટી/સત્તાપક્ષ પણ નોંધ લેશે.

[8] વ્યક્તિગત રજૂઆત કરતા સંસ્થાકિય રજૂઆતની અસર વધુ પડતી હોય છે. ગુજરાતમાં SC/ST સમુદાયના લોકો સાથે અન્યાય થાય તેવા કિસ્સામાં ‘નવસર્જન’ સંસ્થા દ્વારા રજૂઆત થાય ત્યારે તંત્ર જાગી જાય છે. [9] રજૂઆત કોઈ સાંભળતું નથી; કોઈ એકશન લેવાતા નથી; એમ માનીને બેસી ન રહો. વિરોધ/ધરણા/પ્રદર્શનની અસર દેખાતી નથી, પરંતુ અસર થતી જ હોય છે. દુરુપયોગનું પુનરાવર્તન અટકે છે. દુરુપયોગની માત્રામાં ઘટાડો થાય છે.

[10] લોકશાહીમાં નાગરિકો જેટલા જાગૃત એટલું પોલીસનું મનસ્વીપણું ઓછું થાય; પ્રજા નહીં, સંવેદનશીલ નાગરિક બનો.[11] નેશનલ પોલીસ કમિશનની ભલામણ અને સુપ્રિમકોર્ટના ઠપકા પછી રચાયેલ ‘સ્ટેટ પોલીસ કમ્પ્લેઇન ઓથોરિટી’ સમક્ષ ફરિયાદ કરો. 30 જુલાઈ 2007 થી અમલમાં છે. ગુજરાત પોલીસ એક્ટમાં સુધારો થયેલ છે. કલમ-32G/32H/32આઈ ખૂબ જ મહત્વની છે; પોલીસ સામે ફરિયાદ કરી શકાય છે.

ઓગષ્ટ 2019 માં, વિચરતી જાતિના એક વંચિત/ગરીબ માણસને ચોરીનો શક હોવાથી જૂનાગઢ પોલીસે ઢોરમાર મારી પોલીસ સ્ટેશનમાં મારી નાંખ્યો. બીજા બે સભ્યોને પણ ઢોરમાર માર્યો અને એકબીજાના પ્રાઈવેટ પાર્ટ મોંમાં લેવડાવેલ. સામાજિક કાર્યકર મિત્તલ પટેલે રજૂઆત કરી. તંત્ર હલ્યું. વિરોધ/ધરણા/પ્રદર્શનની અસર તંત્ર ઉપર ચોક્કસ થાય છે. રાજ્યના પોલીસ વડાએ સૂચના કરી કે વંચિત/ગરીબ/SC-ST સમુદાયના લોકો સાથે પોલીસે કઈ રીતે વર્તણૂક કરવી તે અંગે પોલીસ અધિકારીઓને તાલીમ આપો!

ઓકટોબર 2019 માં, પોલીસ ટ્રેઈનિંગ સ્કૂલ, વડોદરા ખાતે PSI/PI માટે એક શિબિરનું મેં આયોજન કર્યું હતું . તેમાં મેં કહ્યું હતું : “આપણે ફરિયાદી સાથે તેની રાજકીય/આર્થિક/સામાજિક સ્થિતિ ધ્યાને લઈને વર્તન કરીએ છીએ; ગરીબ/વંચિત/SC/ST વગેરે સાથે તોછડાઈભર્યુ વર્તન કરીએ છીએ. ફરિયાદી/વિક્ટિમની જગ્યાએ આપણી જાતને મૂકીને વિચારીશું તો આપણને તેનું દર્દ સમજાય !”rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *