શું કોરોનાના દર્દી દીઠ ભારત સરકારને WHO આપે છે 1.5 લાખ રૂપિયા? SP નિર્લિપ્ત રાયે કર્યો ખુલાસો

By | September 13, 2020

રાજ્ય તેમજ આખા દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં પ્રતિદિન 1,000 કરતા પણ વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જયારે દેશમાં દરરોજનો આંકડો લગભગ 1 લાખ સુધી પહોંચી જાય છે. કોરોનાની મહામારીને રોકવા માટે આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ઓછું થાય તે માટે ઘરની બહાર નીકળતા સમયે લોકોને માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે. જે લોકો આ નિયમનો ભંગ કરે છે તેમની પાસેથી પોલીસ નગરપાલિકા કે, મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા દંડની વસૂલાત કરવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે કેટલીક આફવાઓ પણ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે.

એક અફવા એવી ફેલાય રહી છે કે, કોરોના એક દર્દી પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય વિભાગને 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે અને આ વાત ઘણા લોકો સાચી સમજીને આ મેસેજને આગળ ફોરવર્ડ કરી રહ્યા છે. લોકો અન્ય લોકોને પણ WHO દ્વારા આરોગ્ય વિભાગને કોરોના એક દર્દી દીઠ 1.5 લાખ રૂપિયા આપવામાં આવતા હોવાનું કહી રહ્યા છે પરંતુ અમરેલીના SP દ્વારા આ મામલે ટ્વિટ કરીને આ વાત અફવા હોવાનું જણાવવામાં આવ્યુ હતું અને આવી અફવા ફેલાવનાર લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

અમરેલીના SP નિર્લિપ્ત રાયે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, WHO દ્વારા આરોગ્ય વિભાગને કોરોનાના દર્દી દીઠ 1.5 લાખ રૂપિયા અપાય છે, તે વાત તદ્દન ખોટી છે અને આવી અફવા ફેલાવનાર વિરુદ્ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ અને IPC એક્ટની કલમ 505 મુજબ ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં હવે અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટરે પણ લોકોને અપીલ કરી છે કે, 50 વર્ષથી ઉપરની વ્યક્તિ કે, કોઈ પણ અન્ય ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિને કોરોનાના લક્ષણો દેખાય તો તાત્કાલિક તેમને એન્ટિજન ટેસ્ટ કરાવી લેવો જોઇએ અને આ ટેસ્ટ કરાવવાથી દર્દી અને તેનો પરિવાર પણ સુરક્ષિત રહેશે. કોઈએ કોરોનાની મહામારીથી ડરવાની જરૂર નથી પરંતુ જેટલી વહેલી જાણ દર્દીને થશે તેટલો વહેલો દર્દી બચી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *