ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી : શું હાર્દિક પાટીલને ટક્કર આપી શકશે?

By | September 29, 2020

ભાજપે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના ભાજપના વર્તમાન સાંસદ સી. આર. પાટીલની નિમણૂક કરી છે, થોડા સમય અગાઉ કૉંગ્રેસે હાર્દિક પટેલની કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી હતી. જોકે હાલમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા છે.

ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષ માટે પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ નવા છે. સી. આર. પાટીલ ભાજપના પીઢ નેતા મનાય છે, જ્યારે હાર્દિક પટેલની રાજકીય કારકિર્દી એટલી લાંબી નથી.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયને આવકારીને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આગામી વર્ષોમાં તેમના નેતૃત્વમાં ભાજપ ખૂબ વિકાસ સાધશે, સંગઠનનો વ્યાપ વધશે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ તેમના નેતૃત્વમાં વિજય પ્રાપ્ત કરશે એવી શ્રદ્ધા છે.

ત્યારે સવાલ એ થાય કે વર્તમાન સમયમાં કૉંગ્રેસ અને ભાજપ સામે કયા કયા પડકારો છે અને નવું નેતૃત્વ તેની સામે કેટલું સક્ષમ પુરવાર થઈ શકે છે.

ભાજપ-કૉંગ્રેસની નવી નિમણૂકથી આવનારી ચૂંટણીમાં તેની કંઈ અસર થઈ શકે છે?

નવી નિમણૂકથી કેટલું પરિવર્તન આવશે?

સી. આર. પાટીલ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીનું સ્થાન લેશે. ઘણા સમયથી ભાજપના સંગઠનમાં ફેરફાર થવાની વાતો મીડિયામાં ચાલતી હતી. જોકે તેમાં પ્રદેશ પ્રમુખની રેસમાં સી.આર. પાટીલનું નામ ક્યાંય નહોતું ચર્ચાયું.

મૂળ મહારાષ્ટ્રના એવા પાટીલ દક્ષિણ ગુજરાતમાં મજબૂત નેતૃત્વ ધરાવતાં હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

હાર્દિક પટેલને કૉંગ્રેસમાં હોદ્દો મળતાં કૉંગ્રેસમાં નવો સંચાર થશે એવી પણ ચર્ચા છે.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર બળદેવ આગઝાનું માનવું છે કે કૉંગ્રેસે હાર્દિક પટેલની નિમણૂક કરી એ વર્તમાન સમયની ગુજરાતના રાજકારણની તાસીર અને તસવીર બદલે એવું જણાતું નથી.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, “હાર્દિક પટેલ માત્ર 2015માં પાટીદાર અનામત આંદોલન માટે જુવાળ ઊભો કરનારા હતા. એટલે કૉંગ્રેસ જે વિચારતી હોય પણ હાર્દિક પટેલના આવવાથી કૉંગ્રેસને કલેવર બને એટલું સુધારાત્મક દેખાતું નથી.”

હાર્દિકથી પાટીદારોના મતો કૉંગ્રેસને આવનારી ચૂંટણીમાં મળશે કે કેમ એ અંગે બળદેવ આગઝા કહે છે, “અગાઉની ચૂંટણીમાં જે પાટીદાર વિસ્તારો હતા, એમાં ભાજપે વધુ સીટો જીતી હતી. એટલે તેનાથી કોઈ ફેર પડવાનો નથી.”

તો જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજ ગોસ્વામી આ નિમણૂકોને જરા જુદા સંદર્ભે જુએ છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે, “કોઈ પણ સંસ્થા કે સંગઠન હોય એમાં નવી વ્યક્તિના આવવાથી તેનો હંમેશાં વિકાસ થતો હોય છે. એનાથી નવી ઊર્જા મળતી હોય છે. દરેક પક્ષમાં જેમજેમ નવાનવા લોકો આવતાં જાય તેમતેમ એ પક્ષ આગળ વધતો જતો હોય છે. તેમાં નવી પ્રતિભા આવે, નવી શક્તિ આવે, નવા વિચારો આવે. એ કૉંગ્રેસ અને ભાજપ બંને માટે સારું જ છે અને એ રીતે ગુજરાત માટે સારું છે.”

રાજ ગોસ્વામી વધુમાં કહે છે કે કેન્દ્રમાં કૉંગ્રેસની વાત કરીએ તો ગાંધી પરિવાર સિવાયનું કોઈ નેતૃત્વ આવે તેની કવાયત ઘણા સમયથી ચાલે છે. અને તેઓ પણ ઇચ્છે છે કે પાર્ટીને કોઈ મજબૂત નેતૃત્વ મળે.

ભાજપ-કૉંગ્રેસ માટે કેટલો પડકાર

ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે.

આવા સમયે પક્ષની આ નિમણૂકને રાજકીય વિશ્લેષકોએ અનેક પરિપ્રેક્ષ્યમાં જુએ છે.

જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટ બીબીસી સાથે વાત કરતાં કહે છે, “મારી દૃષ્ટિએ કૉંગ્રેસ પાર્ટીના અમિત ચાવડાએ હાર્દિક પટેલની કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂક કરીને ‘પટેલકાર્ડ’ને રમવાની કોશિશ કરી છે. તેમજ ત્રણ નેતાને પણ કાર્યકારી અધ્યક્ષને બનાવી શકે છે.”

તેઓ કહે છે, “પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપે જિતુ વાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી, જે સૌને આશ્ચર્ય પમાડે તેવી હતી, કેમ કે જિતુ વાઘાણી એટલા જાણીતા કે સિનિયર નેતા નહોતા, પણ હાર્દિક પટેલ સામે એક યુવા ચહેરો હતા.”

“તો શહેરોના પટેલ મતદારોને આકર્ષવા માટે ઋત્વિજ પટેલને પણ યુવા ભાજપના પ્રમુખ તરીકે નીમ્યા હતા. ત્યારબાદ આંનદીબહેન પટેલની મુખ્ય મંત્રીપદેથી વિદાય થઈ અને વિજયભાઈ રૂપાણી આવ્યા.”

અજય ઉમટ વર્તમાન નિમણૂકની વાત કરતાં કહે છે, “હવે પાર્ટીએ રણનીતિ બદલી છે કે જો માત્ર પટેલ સમાજને રાજી રાખીશું તો અન્ય સમાજ નારાજ થઈ જશે. આથી તમામ સંલુતન સાધવું અને ઉપર એક એવી વ્યક્તિ મૂકવી જે બહુ પ્રતિનિધિત્વ ધરાવતા સમાજની ન હોય.”

“પરપ્રાંતીય મતદારોની સંખ્યા પણ આજના સમયમાં ગુજરાતમાં 20થી 22 ટકા જેટલી છે. હમણાં જે હિજરત થઈ એનાથી એ વાતનો અંદાજ આવી શકે છે.”

પક્ષોની રણનીતિ અને આગામી ચૂંટણી

પ્રોફેસર બળદેવ આગઝા કહે છે કે કૉંગ્રેસ પાર્ટીમાં માત્ર ને માત્ર પાટીદાર એ નેતાના સ્વરૂપે આવે છે. મતદારોનું પરિણામ સામે આવતું નથી.

તેઓ કહે છે, “સી. આર. પાટીલ એ દક્ષિણ ગુજરાતનું જુદું નેતૃત્વ છે. ભાજપનું નેતૃત્વ હાઈકમાન્ડને આધારે થાય છે. કૉંગ્રેસમાં એવું કશું હોતું નથી. તેમજ અત્યારના સંજોગમાં કૉંગ્રેસનું એવું કોઈ નેતૃત્વ પણ નથી.”

“સી.આર. પાટીલ મૂળભૂતે મહારાષ્ટ્રના છે અને આર્થિક રીતે ખૂબ જ સદ્ધર છે. તેમજ વડોદરા, સુરત વગેરેના જે પરપ્રાંતીયો છે તેમનું થોડું પ્રતિનિધિત્વ જળવાઈ રહે એમ પણ હોય.”

તેઓ કહે છે કે ભાજપ તો ગમે તે પરિસ્થિતિને પહોંચી વળે તેમ છે.

તો ગુજરાત ગાર્ડિયનના માલિક અને તંત્રી અને દક્ષિણ ગુજરાતના રાજકારણને ઝીણવટથી સમજનારા મનોજ મિસ્ત્રી બીબીસી સાથેની વાતમાં કહે છે કે “સી.આર. પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂકથી ચોક્કસ ગુજરાતના રાજકારણમાં ફેર પડશે.

“જ્યાં જ્યાં પણ ભાજપમાં ગાબડાં પડ્યાં છે, જ્યાં ભાજપ નબળો પડ્યો છે, એને તેઓ ઠીક કરી શકશે. સી. આર.ના આવવાથી ભાજપ વધુ મજબૂત થશે અને સામે પક્ષે હાર્દિક પટેલના આવવાથી કૉંગ્રેસ વધુ નબળી પડશે.”

મનોજ મિસ્ત્રીના મતે, “સી.આર. પાટીલ એક પીઢ અને મજબૂત નેતા છે, જ્યારે હાર્દિક પટેલ પાસે એવું કોઈ કૌવત નથી. એ આંદોલનના નેતા છે. આવા નેતાઓ એક આંદોલન માટે સક્ષમ હોઈ શકે, એ કામદારોનું નેતૃત્વ કરી શકે, પણ એ કંપની ન ચલાવી. એ સર્વાંગી સ્વીકૃત નેતા નથી.”

જાણીતા યુવાપત્રકાર ફયસલ બકીલી બીબીસી સાથે વાત કરતાં કહે છે, “સી. આર. પાટીલ ચૂંટણી કેમ્પેઇનમાં માહેર માનવામાં આવે છે. ચૂંટણીની વ્યવસ્થાઓમાં તેમની ગણતરી પાક્કી હોય એવું માનવામાં આવે છે. અને આથી તેમને 2014 પછી સતત જવાબદારી મળતી રહે છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, બિહારની ચૂંટણીઓમાં તેમને જવાબદારી આપવામાં આવી હતી.”

તેઓ કહે છે કે સંગઠનની તેમની જે કુનેહ છે એના લાભ લેવા માટે તેમને પ્રદેશાધ્યક્ષ બનાવાયા છે એવું લાગે છે.

‘સરપ્રાઇઝ અને જોખમ’

જાણીતા પત્રકારો, રાજકીય વિશ્લેષકો અને પક્ષના કાર્યકરો માટે પણ પાટીલની નિમણૂક આશ્ચર્ચજનક માનવામાં આવે છે.

ફયસલ બકીલી કહે છે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નિમણૂકોમાં આવી સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે. પાટીલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના માનવામાં આવે છે.”

ફયસલ બકીલી આ નિમણૂકને એક જુદા દૃષ્ટિકોણથી પણ જુઓ છે.

તેઓ કહે છે, “ગુજરાતમાં જ્યારે પણ નિમણૂકની વાત આવે ત્યારે ત્રણ-ચાર જ્ઞાતિઓને પ્રાધાન્ય આપવામાં આવતું હોચ છે.”

“કૉંગ્રેસ જ્યારે પાટીદાર આંદોલનના એક મોટા ચહેરા હાર્દિક પટેલને આટલો મોટો હોદ્દો આપતી હોય એવા સમય ભાજપ સી. આર. પાટીલની નિમણૂક કરે એ એક રીતે જ્ઞાતિવાદની દૃષ્ટિએ તો જોખમ ખેડવા જેવું જ છે. તેમજ જ્ઞાતિવાદી રાજકારણ માટે આ એક પૉઝિટિવ પાસું પણ છે.”

બકીલીના કહેવા અનુસાર, “સી. આર. પાટીલ અને હાર્દિક પટેલની રાજકારણ અને ચહેરાની દૃષ્ટિએ સરખામણી ન થઈ શકે છે. પાટીલ સંપૂર્ણ સત્તા સાથે ભાજપના અધ્યક્ષ બન્યા છે. કૉંગ્રેસમાં અમિત ચાવડા અધ્યક્ષ છે અને હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ છે.”

“સી. આર. પાટીલ 1979થી રાજકારણમાં સક્રિય છે, અનુભવ ખૂબ લાંબો છે. ગત લોકસભાની ચૂંટણી નરેન્દ્ર કરતાં પણ વધુ લીડથી તેઓ જીત્યા હતા. હાર્દિક પટેલ પાટીદાર આંદોલનનો ચહેરો છે અને તેમની લોકપ્રિયતા કેટલાક યુવકો અને પાટીદાર સમાજના યુવકો પૂરતી સીમિત છે.”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *