તામિલનાડુ પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ, સામાન્ય બાબતમાં પિતા-પુત્રનો તડપાવીને જીવ લીધો

By | July 1, 2020

સત્તાનો મદ અને પદ પ્રત્યેનું અભિમાન ભારતમાં કેટલી હદ્દે ખતરનાક પૂરવાર થઈ રહ્યું છે એનો ધ્રુજાવી નાંખનારો કિસ્સો પાછલા દિવસોમાં આપણી સામે આવ્યો છે. વિગતે વાત કરું તો, આની શરૂઆત તમિલનાડુના તુતિકોરિન ખાતે થઈ. ગયા સોમવારની વાત છે. લૉકડાઉન દરમિયાન નિયત સમય કરતા વધુ સમય સુધી દુકાનો ખુલ્લી રાખવાની તમિલનાડુમાં મનાઈ છે. તુતિકોરિનમાં ૬૦ વર્ષીય જયરાજ અને એમના ૩૦-૩૧ વર્ષીય દીકરા ફીનિક્સની મોબાઇલની દુકાન મોડે સુધી ખુલ્લી હોવાને કારણે સ્થાનિક પોલીસ દ્વારા જયરાજની ધરપકડ કરવામાં આવી. ત્યાંના સાથનકુલમ પોલીસથાણામાં લઈ જઈને જયરાજને ઢોર માર મારવામાં આવ્યો. એવામાં એનો દીકરો વચ્ચે પડ્યો. પોતાના પિતાને આ રીતે પીડામાં જોઈને એમણે પોલીસ અધિકારીઓને વિનવણીઓ કરી, આજીજી કરી. વૃદ્ધનું માન રાખીને માર ન મારવા માટે હાથ જોડ્યા. આટલી નાની અમથી વાત માટે પોતાના પિતાને કેમ આટલી નિર્દયતાપૂર્વક કેમ મારવામાં આવી રહ્યા છે એવા પ્રશ્નો પણ પૂછ્યા. પરંતુ બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર્સ બાલાકૃષ્ણન અને રઘુ ગણેશ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતાં.

ઉલ્ટું, કુલ પાંચ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર્સ અને કૉન્સ્ટેબલ્સે સાથે મળીને ફીનિક્સને પણ કોલરથી પકડીને દીવાલ પર પછાડ્યો. કોઈ વાંક-ગુના વગર તેને પણ ઢોર માર મારવામાં આવ્યો. ફીનિક્સના એક મિત્ર રવિએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે, ‘અમે પોલીસને આ અંગે પૂછપરછ કરી, તો એમણે અમને ધક્કો મારીને પોલીસ સ્ટેશનની બહાર કાઢી મૂક્યા. અંદરથી એમણે દરવાજા બંધ કરી દીધા. આખી રાત જયરાજ અને ફીનિક્સની ચીસો ગામમાં સંભળાતી રહી. વચ્ચે એક વખત તિકડમ લગાવીને અમે અંદર નજર કરી ત્યારે ફીનિક્સના નગ્ન હાલતમાં જોવા મળ્યો. પોલીસ લાકડીની મદદથી તેને પશુની માફક ફટકારી રહી હતી. અમે લાચાર હતાં. કશું કરી શકે એવી હાલતમાં નહોતાં. પોલીસનો આ ખૂની ખેલ હવે જલ્દીથી અટકવાનું નામ લે એવી પ્રાર્થના અમે કરી રહ્યા હતાં. પરંતુ વહેલી સવાર સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. અમને સમજાઈ નહોતું રહ્યું કે પોલીસ એમના પર કઈ વાતનો ગુસ્સો ઉતારી રહી છે?’

સવારે સાત વાગ્યે પોલીસે રવિને એમનું પર્સનલ વાહન લાવવાનો આદેશ કર્યો. રવિએ તાત્કાલિક પોતાની કાર લાવીને પોલીસથાણાની સામે ઉભી કરી દીધી. પોલીસ સ્ટેશનના દરવાજા ખૂલ્યા અને જયરાજ-ફીનિક્સને ભીંતે બાંધેલા પશુની માફક ઢસડીને બહાર લાવવામાં આવ્યા. એમની દુર્દશા જોઈને રવિ સ્તબ્ધ થઈ ચૂક્યો હતો. ફાટીને લીરેલીરા થઈ ગયેલાં કપડામાં બાપ-દીકરાનું શરીર લોહીથી લથબથ હતું. લુંગીનો સફેદ રંગ બદલીને ઘાટ્ટો લાલ થઈ ગયો હતો. રવિએ તરત જ કારની બેકસીટ અને ફ્રન્ટ સીટ પર જાડું સુંવાળુ કાપડ પાથર્યુ, જેથી જયરાજ અને ફીનિક્સને હૉસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં વધારે પીડા ન થાય. કોવિલપટ્ટી સરકારી હૉસ્પિટલમાં એમને મેડિકલ ચેક-અપ માટે લઈ જવામાં આવ્યા. એમની ધોતી વારંવાર લોહીથી ખરડાઈ જતી હતી.

ફીનિક્સે રડતાં રડતાં રવિને વિનંતી કરી કે ઘરે જઈને એમની માતાને આશ્વાસન આપે. બધું બરાબર છે એવું કહીને એમને સાંત્વના આપે, જેથી તેઓ વધારે ચિંતા ન કરે. રવિએ એને સધિયારો આપીને શાંત કર્યો. એ દરમિયાન કુલ સાત વખત એમની ધોતી બદલવામાં આવી. આમ છતાં મળમાર્ગેથી વહેતું ખૂન બંધ થવાનું નામ નહોતું લઈ રહ્યું. કોવિલપટ્ટી ગવર્નમેન્ટ હોસ્પિટલમાં એમને દવા અને ઇંજેક્શન આપવામાં આવ્યા. બાપ અને દીકરાના બ્લડપ્રેશર અનુક્રમે ૧૯૨ અને ૧૮૪ સુધી પહોંચી ગયા હતાં. રવિએ ડૉક્ટર્સને વિનંતી કરી કે એમના મળમાર્ગેથી વહેતું લોહી અટકાવવા માટે દવાઓ આપવામાં આવે. પરંતુ પોલીસ ધડ દેતાંક ના પાડી દીધી. ડોક્ટર્સને કહી દેવામાં આવ્યું કે એમનું લોહી આપોઆપ અટકી જશે, એના માટે કોઈ સારવારની આવશ્યકતા નથી!

ડૉક્ટર્સ દ્વારા ત્રણ કલાક દરમિયાન કુલ ત્રણ-ચાર વખત ચેક-અપ હાથ ધરવામાં આવ્યા. એમની શારીરિક હાલત સ્થિર નહોતી. આથી હોસ્પિટલ ઑથોરિટી દ્વારા બંનેના ફિટનેસ સર્ટિફિકેટ આપવાની મનાઈ ફરમાવી દેવામાં આવી. આમ છતાં પોલીસ પોતાની જીદ્દ પર મક્કમ રહી. એમણે આગ્રહપૂર્વક અને ધાકધમકીનો ઉપયોગ કરીને ડૉક્ટર્સ પાસે ફિટનેસ સર્ટિફિકેટ લખાવ્યા અને બંને બાપ-દીકરાને હૉસ્પિટલમાંથી અર્ધ મરેલી હાલતમાં ડિસ્ચાર્જ કરાવીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવાયા.

હૉસ્પિટલથી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ઘર સુધી જયરાજ અને ફીનિક્સ લોહીથી ખરડાયેલી ધોતી સાથે ટ્રાવેલિંગ કરતા રહ્યા. આમથી તેમ ગોથા ખાતા રહ્યા! જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ક્યાંક તેઓ સાચું ન કહી દે એ માટે એમને ધમકાવવામાં આવ્યા હતાં. આ અંગે જણાવતાં રવિ કહે છે કે, ‘મેં ફીનિક્સને કહ્યું હતું કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ સાચેસાચું કહી દેજે. પોલીસ કસ્ટડીમાં એમની સાથે જે દુર્વ્યવહાર થયો હતો એ વિશેની ઝીણામાં ઝીણી બાબતો મેજિસ્ટ્રેટ સમક્ષ આવે તે જરૂરી હતી. પરંતુ ફીનિક્સે ના પાડી. પોલીસે તેને ધમકાવ્યો હતો કે અગર મેજિસ્ટ્રેટ સામે મોં ખોલ્યું છે તો આખી જિંદગી સુખેથી નહીં રહેવા દઈએ. આખા પરિવારને બરબાદ કરી નાંખીશું!’

મેજિસ્ટ્રેટથી ૫૦ મીટરના અંતરે બાપ-દીકરાને બેસાડવામાં આવ્યા. ચાર પોલીસ અધિકારીઓ એમની આજુબાજુ ઘેરો ઘાલીને ઉભા રહી ગયા. એમના દ્વારા ઝીણા અવાજે માનસિક ટોર્ચરિંગ કરવામાં આવ્યું, જેથી ફીનિક્સ અને જયરાજ ભૂલથી પણ સચ્ચાઈ બયાન ન કરી દે!

જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના ઘરથી કોવિલપટ્ટી સબ-જેલ સુધીનો રસ્તો ૧૦૦ કિલોમીટર જેટલો લાંબો હતો. ફરી એમને દોઢ-બે કલાક સુધી કારમાં મુસાફરી કરાવીને જેલ સુધી લઈ જવામાં આવ્યા. અંતે, શારીરિક પીડાને કારણે ફીનિક્સ સૌથી પહેલા મૃત્યુ પામ્યો. જયરાજે પોતાના દીકરાને નજર સમક્ષ દમ તોડતાં જોયો. એના થોડા જ કલાકો બાદ જયરાજનું પણ અવસાન થયું. બંનેના રિપૉર્ટ્સમાં પોલીસે મૃત્યુનું કારણ ‘તાવ’ જણાવ્યું!!!!

ફીનિક્સની મોટી બહેને જ્યારે પોતાના બાપ અને ભાઈના મૃતદેહો જોયા ત્યારે એટલી હદ્દે સ્તબ્ધ થઈ ગઈ હતી કે આંસુ પણ થીજી ગયા હતાં. તે જણાવે છે કે, ‘મારા ભાઈ અને બાપ હોવાને નાતે એમના મૃતશરીર વિશે હું ઝાઝુ તો નહીં જણાવી શકું, પણ એટલું કહીશ કે એમના જનનાંગો તથા કમરની નીચેના ભાગે કશું ઓળખી શકાય એવું બચ્યું જ નહોતું! તેમને સેક્સ્યુઅલી પણ પરેશાન કરવામાં આવ્યા હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવતું હતું. મારો પરિવાર હવે ન્યાય ઇચ્છે છે. મારા બાપ અને ભાઈ સાથે બન્યું એ ભારતના અન્ય કોઈ નાગરિક સાથે ન બને એ માટે આ ઘટનાને સરકારે ગંભીરતાથી લેવી જ જોઈશે. હું જીવનપર્યંત મારા શ્વાસ ચાલશે ત્યાં સુધી એમના માટે લડતી રહીશ.’

આ ઘટના બાદ રેડિયોજૉકી સુચિત્રાએ ઇન્સ્ટાગ્રામ પર એક હ્રદયદ્રાવક વીડિયો મૂકીને સમગ્ર કેસ વિશે ભારતીયોને માહિતગાર કર્યા. ધીરે ધીરે ‘હેશટેગ : જસ્ટિસ ફોર જયરાજ એન્ડ ફીનિક્સ’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા. બોલિવૂડ સિલેબ્રિટીથી માંડીને પ્રત્યેક સોશિયલ મીડિયા યુઝર્સના ધ્યાનમાં આ બાબત આવી અને એમણે અવાજ ઉઠાવ્યો. પરિણામસ્વરૂપ, બંને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર્સ બાલાકૃષ્ણન અને રઘુ ગણેશને તથા બે કૉન્સ્ટેબલ્સ મુરૂગન અને મુથુરાજને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. પરંતુ શું આટલી સજા કાફી છે? ફક્ત સસ્પેન્ડ કરી દેવાથી મૃતકની આત્માને શાંતિ મળી જશે?

ન્યાય મળી જશે?શું વાંક હતો એમનો? શું એમણે કોઈનું ખૂન કર્યુ હતું? શું એમણે બળાત્કાર કર્યો હતો? શું એમણે કોઈની સાથે મારપીટ કરી હતી? ના. બંને દુકાનદારોનો વાંક ફક્ત એટલો હતો કે નિયત સમય કરતાં થોડા વધુ સમય સુધી એમણે પોતાની મોબાઇલની દુકાન ખૂલી રાખીને લૉકડાઉનના નિયમનો ભંગ કર્યો હતો!

તમિલનાડુ સરકારે જયરાજના પરિવારને દસ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. પરંતુ પોલીસ અધિકારી વિરૂદ્ધ જે તાત્કાલિક પગલાં લેવા જરૂરી હતાં એ ન લેવાયા. તેમને જેલ ભેગા કરવાને બદલે સસ્પેન્ડ કરી દેવામાત્રથી એમની હિંમતમાં ફક્ત વધારો જ થશે, એ નક્કી! ભારતમાં વર્ષોથી આમ જ ચાલતું આવ્યું છે. મોટેભાગે પોલીસ અધિકારી ગુનાના આચરણ બદલ ક્યાં તો ફક્ત સસ્પેન્ડ થાય છે અથવા તેની બદલી કરી નાંખવામાં આવે છે! આને કારણે તેમને કાયદાની બીક રહી નથી. તેઓ પોતાને કાયદાથી પણ સર્વોપરી માનવા લાગ્યા છે. પોતાની કરતૂતો માટે હવે એમને કોઈના બાપનો ડર રહ્યો નથી! આવી હાલતમાં અગર સરકારે તુતિકોરિનના એ નિર્મમ હત્યારાઓને સજા આપ્યા વગર એમ જ છોડી દીધા તો ન્યાયતંત્ર પરથી પ્રજાનો વિશ્વાસ ડગમગી જશે!

નાગરિકોને અગર પોલીસનો ત્રાસ વર્તાઈ રહ્યો છે અથવા એમને લાગે કે પોલીસ પોતાના હાથમાં કાયદો લઈ રહી છે, તો એવા સમયે નાગરિકો પોલીસતંત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી શકે તે પ્રકારની ઑથોરિટી અને સરકારી કચેરીઓ ઉભી કરવાનો આદેશ ૨૦૦૬ની સાલમાં ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા પ્રત્યેક રાજ્ય સરકારને આપી દેવાયો છે. પરંતુ અહીં સુપ્રીમ કૉર્ટનું સાંભળે છે કોણ? ૧૪ વર્ષના વહાણાં વીતી ગયા હોવા છતાં આજની તારીખે પણ ઘણા ખરા રાજ્યોએ આ પ્રકારની કચેરીઓ ઉભી નથી કરી! આનો અર્થ એવો જ નીકળે કે પોલીસની નિર્મમતા સામે નાગરિક સદાય લાચાર હતો, છે અને રહેશે!

ભારતમાં ૨૦૧૯ની સાલમાં કુલ ૧૭૩૧ લોકો પોલીસ કસ્ટડીમાં સહન કરેલા મારથી મૃત્યુ પામ્યા હતાં. હિસાબ લગાવવા જાઓ તો દિવસ લેખે દરરોજ ઓછામાં ઓછા પાંચ માણસો જેલમાં પોલીસના ત્રાસને કારણે મૃત્યુ પામે છે! અમેરિકામાં રંગભેદની નીતિને કારણે થયેલાં જ્યૉર્જ ફ્લોઇડના મોતને આપણે પોતીકું દર્દ સમજીને જે રીતે વિરોધ નોંધાવ્યો, એવી તસ્દી જયરાજ-ફીનિક્સના કેસમાં લીધી છે ખરી? શું આપણું ન્યાયતંત્ર એટલું સક્ષમ છે કે આ બંને મૃતકોની આત્માને શાંતિ અપાવી શકે? એમના મોત માટે જવાબદાર બે પોલીસ અધિકારીઓને ફાંસીના માંચડે ચડાવવાની તાકાત ભારતીય કાયદા પાસે છે ખરી?

– Parakh Bhatt (bhattparakh@yahoo.com)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *